Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

શોભાયાત્રાઓમાં હનુમાનનું પાત્ર ભજવનાર યુવકનો મૃતદેહ મળતા તપાસનો ધમધમાટ

વડોદરાઃ ધાર્મિક શોભાયાત્રાઓમાં હનુમાનજીનું પાત્ર ભજવનાર યુવકનો મૃતદેહ મળતા તેમના મોતના કારણ અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહીતી મુજબ અકોટાથી દાંડિયાબજાર તરફ આવતા બ્રિજની ડાબી બાજુએ આવેલી દરગાહ પાસે ગઈકાલે સવારે ૩૫ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ટોળુ જામ્યુ હતુ. 

મરનાર યુવકે કેસરી બંડી અને પેન્ટ પહેર્યા હતા. નજીકના કાંસ પાસે મૃત હાલતમાં મળેલા યુવકના પગ કાંસના દૂષિત પાણીમાં હતા. બનાવ અંગે ગોત્રી પોલીસને જાણ કરાતા હેડ કોન્સ્ટેબલ વિસાભાઇ તપાસ માટે આવ્યા હતા. 

મરનાર યુવક વિશે પોલીસે પૂછપરછ કરતા સ્થાનિકોએ તેનું નામ હનુમાન હોવાનુ જણાવ્યુ હતુ.મરનાર યુવક શોભાયાત્રાઓમાં હનુમાનનું પાત્ર ભજવતો હોઇ તેને લોકો હનુમાન તરીકે ઓળખતા હતા. પોલીસે તેના પરિવારજનો વિશે પૂછપરછ કરતા કોઇ માહિતી મળી નહતી. 

કલાલી બ્રિજ પાસે તેના પરિવારજનો રહેતા હોવાની વિગતો મળતા પોલીસ અને સ્થાનિકોએ તપાસ કરી હતી. પોલીસે રિક્ષાચાલકોના પણ નિવેદનો લીધા હતા પરંતુ મરનારના નામ-ઠામ અને પરિવારજનોનો કોઇ પત્તો લાગ્યો નથી. 

આખરે, પોલીસે તેનો મૃતદેહને સયાજી હોસ્પિટલના પોસ્ટમોટર્મ રૃમમાં મુકાવી વધુ તપાસ હાથ ધરી છે.

(6:39 pm IST)