Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

નિયત સ્થળના બદલે અન્ય સ્થળેથી કચરો ભરી લેવાયો

ડોર ટુ ડોર વેસ્ટ કલેકશનમાં વધુ ગેરરીતી ઝડપાઈઃ વાહન જપ્ત કરી લેવાયું :વહીવટીતંત્ર દ્વારા નોટિસ અપાઈ વિપક્ષ નેતા દ્વારા કરાયેલી તપાસમાં ગેરરીતી બહાર આવી

અમદાવાદ, તા.૨, અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે થોડા સમય અગાઉ જ રૂપિયા ૩૦૦ કરોડનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે આ કોન્ટ્રાકટ આપતી વખતે મ્યુનિસિપલ કમિશનરે આ કોન્ટ્રાકટ આપવામા આવ્યા બાદ કોઈ ગેરરીતી નહી ચાલે એવા આપેલા આશ્વાસનની વચ્ચે આજે શહેરના ઉત્તરઝોનમાં વિપક્ષનેતા દ્વારા કરવામા આવેલી ઓચિંતી તપાસમાં કોન્ટ્રાકટરની ગેરરીતી બહાર આવતાની સાથે સફાળા જાગેલા મ્યુનિસિપલ તંત્રે તેનુ વાહન જપ્ત કરવાની સાથે જ તેને નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર,આજે સવારના સુમારે વિપક્ષનેતા દિનેશશર્મા ઉત્તરઝોનના રાઉન્ડમા હતા એ સમયે કચરો ભરેલા એક વાહનને શંકાસ્પદ રીતે જોતા તેમણે સઘન તપાસ કરતા ઉત્તરઝોનમાં ઠકકરબાપાનગર વિસ્તારમાં જેને ડોર ટુ ડોર પ્રોજેકટ હેઠળ કામગીરી સોંપવામાં આવી છે તેવા કોન્ટ્રાકટર ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટના માણસો એક છોટા હાથી નામના વાહનમાં ઠાંસોઠાંસ કચરો ભરીને લઈ જઈ રહ્યા હતા.વિપક્ષનેતાને શંકા જતા તેમણે આ મામલે સઘન તપાસ કરતા કોન્ટ્રાકટરના માણસોને કચરો એકઠો કરવા માટે જે નિયત સ્થળ નકકી કરી આપવામાં આવ્યુ હતુ એ સ્થળને બદલે એક શાળામાંથી કચરો ભરીને તેને રેફયુઝ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યો હતો.આ મામલે વિપક્ષનેતા દ્વારા ઉચ્ચ અધિકારીનું ધ્યાન દોરવામાં આવતા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓ સફાળા જાગ્યા હતા.જ્યાં તેમના દ્વારા આ કોન્ટ્રાકટરના માણસોએ કચરો ભરવા માટે જે છોટાહાથી નામના વાહનનો ઉપયોગ કરવામા આવ્યો હતો એ જપ્ત કર્યુ હોવાનુ અને આ મામલે કોન્ટ્રાકટરને શો-કોઝ નોટિસ આપવામાં આવી હોવાનુ ડાયરેકટર સોલીડ વેસ્ટ હર્ષદરાય સોલંકીએ કહ્યુ છે.બીજી તરફ આ મામલે વિપક્ષનેતા દિનેશ શર્માએ પ્રતિક્રિયા  આપતા કહ્યુ કે,અમદાવાદ શહેરમાં સફાઈ માટે જે રૂપિયા ૩૦૦ કરોડના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે એમા વ્યાપક ગેરરીતીઓ ચાલી રહી છે આ ખુબ જ ગંભીર બાબત છે આ મામલે કમિશનરે ગંભીરતાથી જે તે વિભાગના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની સાથે કોન્ટ્રાકટરો સામે પણ કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે,આ અગાઉ ગત સપ્તાહે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણ પટેલ દ્વારા પણ તેમના શાહીબાગ વિસ્તારમાં આ પ્રકારે કોન્ટ્રાકટરની ગેરરીતી ઝડપી પાડવામાં આવી હતી.આ ઉપરાંત નરોડાના કોર્પોરેટર દ્વારા પણ કોન્ટ્રાકટરની ગેરરીતી મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆત કરવામાં આવી હતી.

(9:45 pm IST)