Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ટ્રકે એકિટવાને ટક્કર મારતા મહિલાનું મોત : બે ઇજાગ્રસ્ત

પત્નીનું મોત, પતિ-પુત્રને ગંભીર ઇજા થઇ : મૌર્ય પરિવાર એકિટવા પર એક પ્રસંગમાં જઇ રહ્યો હતો ત્યારે કેડિલાબ્રિજ પર બનેલા બનાવથી ભારે સનસનાટી

અમદાવાદ,તા.૨ : શહેરના જશોદાનગર ચોકડી પાસે આવેલા કેડિલાબ્રીજ પરથી આજે પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલી અને માંતેલા સાંઢની જેમ દોડી રહેલી એક ટ્રકના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી એકટિવાચાલકને જોરદાર ટક્કર મારતાં એકિટવા પર જઇ રહેલા પતિ-પત્ની અને પુત્ર હવામાં ફંગોળાયા હતા અને જમીન પર પટકાયા હતા. આ ગંભીર જીવલેણ અકસ્માતમાં પત્નીનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓ થવાના કારણે મૃત્યુ નીપજયુ હતું, જયારે પતિ અને પુત્રને ગંભીર ઇજાઓ થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ, અકસ્માતમાં પત્નીના મોત અને પતિ તેમ જ પુત્રને ગંભીર ઇજાના સમાચાર જાણી સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી અને શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઓઢવ વિસ્તારમાં રાજેન્દ્રપાર્ક સોસાયટી ખાતે રહેતા અને અનાજ દળવાની ઘંટી ધરાવતાં અમૃતભાઇ મૌર્ય, તેમના પત્ની સીમાબહેન અને ચાર વર્ષના પુત્ર સાથે આજે સવારે પોતાના એકિટવા પર એક પ્રસંગમાં જઇ રહ્યા હતા ત્યારે જશોદાનગર ચોકડી પાસે આવેલા કેડિલાબ્રીજ પર પૂરપાટઝડપે માતેલા સાંઢની જેમ પસાર થઇ રહેલી એક ટ્રકના ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવી અમૃતભાઇના એકિટવાને હડફેટે લીધું હતું. પૂરપાટઝડપે દોડતી ટ્રકની ટક્કરથી એકિટવા પરથી અમૃતભાઇ, ેતેમના પત્ની સીમાબહેન અને પુત્ર જોરદાર રીતે ફંગોળાઇને નીચે પટકાયા હતા. જમીન પર પટકાતાની સાથે જ સીમાબહેનનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નીપજયુ હતું. જયારે અમૃતભાઇ અને પુત્રને પણ ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ૧૦૮ બોલાવી સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર માટે નજીકની એલજી હોસ્પિટલમાં ખસેડયા હતા. બીજીબાજુ, ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ત્યાં દોડી આવ્યા હતા અને પત્નીના મોતના સમાચાર જાણી ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે પણ આવીને જરૂરી તપાસ હાથ ધરી હતી અને ફરાર થઇ ગયેલા ટ્રકચાલક વિરૂદ્ધ જરૂરી ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. અક્સ્માત બાદ કેડિલાબ્રીજ પર થોડા સમય માટે ટ્રાફિક ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી. જો કે, પોલીસે ભારે સમજાવટ બાદ લોકોને બ્રીજના રસ્તા પરથી ખસેડયા હતા.

(8:31 pm IST)