Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

RTOનું મિશન ઇમ્પોસિબલઃ બે સપ્તાહમાં ૨૭.૯૩ લાખ વાહનોમાં HSRP

ડેડલાઇન તો જાહેર થઇ ગઇ પરંતુ ૨૭ લાખ વાહનોમાં કઇ રીતે થશે HSRP

અમદાવાદ તા. ૨ : જેમણે હજુ સુધી હાઈ સીકયોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ(HSRP) નથી નખાવી તેવા વાહનધારકો માટે આ બે સપ્તાહ કદાચ મિશન ઇમ્પોસિબલ જેવા રહેશે. કેમ કે આગામી ૧૫ જાન્યુઆરી પછી જેમના વાહનમાં HSRP તેવા લોકોને જેટલીવાર પકડાશે તેટલીવાર રુ.૫૦૦નો દંડ આપવો પડશે. જોકે સાચી સમસ્યા જ અહીં છે. સરકારે તો ડેડલાઇન જાહેર કરી દીધી પરંતુ શહેરની RTO ઓફિસની કેપેસિટી જ રોજના ૨૦૦૦ વાહનોમાં HSRP ફીટ કરવાની છે.

જો હાલની ક્ષમતા સાથે RTO ઓફિસને ૨૪ કલાક કાર્યરત રહેવા દેવામાં આવે તો પણ ૬૦૦૦ નંબર પ્લેટ ફીટ થઈ શકે છે. જે આગામી ૧૪ દિવસમાં કુલ વધુમાં વધુ ૮૪૦૦૦ વાહનોને નવી HSRP આપી શકે છે. જયારે શહેરમાં કુલ ૩૭,૩૯,૨૦૪ વાહનો પૈકી ૨૭,૯૩,૩૬૦માં HSRP લગાવવાની બાકી છે. હવે ડેડલાઈનને લઈને RTO અને વાહનધારકોએ જાયે તો કહાં જાયે જેવી સ્થિતિમાં ફસાયેલા છે. રાજયમાં HSRP ફરજીયાતનો નિયમ ૧૬ નવેમ્બર ૨૦૧૨માં લાગુ પાડવામાં આવ્યો અને ૩૯ જાન્યુઆરી ૨૦૧૩થી નવી HSRP નંબર પ્લેટ નાખવાની શરૂઆત કરવામાં આવી છે.

RTOના ડેટા મુજબ જોઈએ તો નવેમ્બર ૨૦૧૭ સુધીમાં શહેરમાં ફકત ૯.૪૫,૮૪૪ વાહનોમાં આ પ્રકારની નંબર પ્લેટ ફીટ કરી શકાઈ છે. જેમાંથી ૫૮,૯૩૯ વાહનો જ ફકત જુના વાહનો છે જયારે બાકીના વાહનો તો નવા રજીસ્ટર થયેલા વાહનો છે. શહેરમાં રહેલા કુલ ૩૭.૩૯ લાખ વાહોનો પૈકી ૨૭.૯૬ લાખ ટૂ વ્હિલર છે જયારે ૨.૫૪ લાખ થ્રી વ્હિલર અને ૬.૮૮ લાખ ફોર વ્હિલર છે.

હવે આ સ્થિતિમાં ફસાયેલ RTO વિભાગને વાહનોની ડિલરશીપ ધરાવતા ડીલરો પર મદદ માટે આશા છે. ટ્રાન્સપોર્ટ કમિશનર આર.એમ. જાદવે કહ્યું કે 'સુપ્રીમ કોર્ટના ઓર્ડર મુજબ નવા-જૂના દરેક વાહનોમાં HSRP ફરજીયાત છે. આ માટે લોકોને ખૂબ સમય આપવામાં આવ્યો હતો પરંતુ ખૂબ જ ઓછા લોકોએ સામે ચાલીને આ નંબર પ્લેટ ફીટ કરાવી છે હવે જયારે આ ડેડલાઈન જે લોકો બાકી છે તેમના માટે જરુરી છે. જેથી તેઓ કાયદાનું પાલન કરે. અને જયાં સુધી ૨૭ લાખ વાહનોમાં HSRP ફિટ કરવાની વાત છે તો અમે પૂરતા પ્રયાસો કરી રહ્યા છીએ.'

RTOના HSRP નોડલ ઓફિસર આર.કે. પરમારે કહ્યું કે, 'શહેરમાં ઘણા વાહન ડિલરોને ત્યાં HSRP ફિટ થઈ શકે તે માટે મંજૂરી આપવામાં આવી છે. અમે તો ફકત સુપ્રીમ કોર્ટના ઓર્ડરને ફોલો કરી રહ્યા છીએ. જોકે ૨૭ લાખ વાહનોમાં ડેડલાઇન પહેલા HSRP ફિટ કરવી અઘરું કામ છે પરંતુ અમે સતત એ બાબતનું ધ્યાન રાખી રહ્યા છે કે લોકોને HSRP ફિટિંગમાં કોઈ અસુવિધા ન થાય અને જલ્દીમાં જલ્દી તેઓ આ નંબર પ્લેટ મેળવી લે.'

(9:37 am IST)