Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

દેશને આઝાદી એકલા ગાંધીએ નહતી અપાવી: હવે ખેડામાં પરેશ રાવલનું વિવાદિત નિવેદન

ગાંધીજીની સાથે સાથે ઘણા લોકોએ આઝાદી અપાવી છે, ઘણા લોકોએ પોતાના ભોગ આપ્યા

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે મતદાન ચાલી રહ્યુ છે આ વચ્ચે ભાજપના પૂર્વ સાંસદ અને એક્ટર પરેશ રાવલનું વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. પરેશ રાવલે કહ્યુ કે દેશને આઝાદી એકલા ગાંધીએ નહતી અપાવી. શાયરીના અંદાજમાં પરેશ રાવલે આ નિવેદન કરતા વિવાદ ઉભો થયો છે.

ખેડામાં ભાજપના ઉમેદવારના પ્રચારમાં પરેશ રાવલે વિવાદિત નિવેદન આપ્યુ હતુ. પરેશ રાવલે કહ્યુ કે આ આઝાદીનું આપણે શું કરવાના છીએ. દેશને આઝાદી ગાંધીજીએ એકલાએ નથી આપી,સરદાર પટેલ ના હોત તો ભારત એક ના થયુ હોત.

પરેશ રાવલે ખેડામાં ભાજપના ઉમેદવારનો પ્રચાર કરતા સમયે કહ્યુ કે, “હિન્દુસ્તાનના બે રાષ્ટ્રપિતા છે, એક તો શ્રી મોહનદાસ કરમચંદ ગાંધીજી, ગાંધી બાપુ અને બીજા આપણા સરદાર વલ્લભભાઇ પટેલ. ગાંધીજી અને ગાંધીજીની સાથે સાથે ઘણા લોકોએ આઝાદી અપાવી છે, ઘણા લોકોએ પોતાના ભોગ આપ્યા છે. એવુ નથી કે સાબરમતી કે સંત તુને અકેલે નહી કર દીયા કમાલ, ઘણા બધાએ કમાલ કરી છે. ગાંધીજીએ આઝાદી તો અપાવી પણ તે આઝાદીનું આપણે શું કરત, તેનો ચુરમો કરત. જો સરદાર પટેલ ના હોત તો આ દેશને એક કરનારા તો આ આઝાદીનું આપણે શું કરત, આ કોઇ કામની જ નહતી. મારી નજરે સરદાર પટેલ બીજા રાષ્ટ્રપિતા છે.

 

(10:36 pm IST)