Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

શંકર ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોરની બેટિંગ : હૂક શૉટ લગાવીને સિક્સર ફટકારી

ભાભરના અબાળા ગામે જોગમાયા મંદિરના લાભમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ પ્રસંગે બનાસકાંઠા ભાજપના બંને દિગ્ગજ નેતાઓ સામસામે : વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય મેદાનમાં કોણ સિક્સર મારે છે તે તરફ સૌની મીટ

બનાસકાઠાના ભાજપના બે દિગ્ગજ નેતા ક્રિકેટ પીચ પર આમને સામને જોવા મળ્યા હતા  વિધાનસભામાંથી આઉટ થયેલા ખેલાડીઓ ક્રિકેટના મેદાનમાં બોલિંગ અને બેટિંગ કરતા જોવા મળ્યા. બનાસકાંઠાના ભાભર તાલુકાના અબાળા ગામે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરનો ક્રિકેટ રમતો વીડિયો વાયરલ થયો છે. જેમાં શંકર ચૌધરીની બોલિંગ સામે અલ્પેશ ઠાકોર બેટિંગ કરી રહ્યા છે.

આમ તો આ રમત છે અને રમતમાં રાજનીતિ ન હોય, પણ મેદાનમાં જોવા મળેલા દ્રશ્યો સૌ કોઈને ચકિત કરી દેનારા હતા, એક વખત ગુજરાત સરકારમાં મંત્રી પદે રહેલા શંકરસિંહ ચૌધરી અને કોંગ્રેસથી છેડો ફાડી ભાજપનો કેસરીયો કરનારા અલ્પેશ આમને સામને હતા. ભાભરના અબાળા ગામે મંગળવારના રોજ જોગમાયા મંદિરના લાભમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ કરવામાં આવ્યો હતો. જેના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બનાસકાંઠા ભાજપના બંને દિગ્ગજ ચહેરા સામ સામે હતા. શંકર ચૌધરીની બોલિંગ કરી રહ્યા હતા જ્યારે અલ્પેશ ઠાકોર બેટિંગ કરી રહ્યા હતા. શંકર ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોરે હૂક શૉટ લગાવી સિક્સર ફટકારી હતી.

ત્યારે જોવું રહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય મેદાનમાં કોણ સિક્સર મારે છે અને કોણ આઉટ થઈ ઘરે ભેગા થાય છે. હાલ તો બનાસકાંઠાનું રાજકારણ યુવાનોની આસપાસ દેખાઈ રહ્યું છે, બે દિવસ પહેલા ગેનીબેન પોલીસ ભરતી માટે તૈયારી કરેલી રહેલા ઉમેદવારો સાથે દોડતા નજરે પડ્યા હતા તો ગઈ કાલે શંકર ચૌધરી તેમજ અલ્પેશ ઠાકોર નાઈટ ટુર્નામેન્ટમાં હાજરી આપી યુવાનોને પડખે રાખવાના પ્રયાસ કરતા હોય તેવુ કહી શકાય. પણ બન્ને નેતાનો ક્રિકેટ રમતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબનો વાયરલ થઈ રહ્યો છે.

(12:07 am IST)