Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

આણંદ નજીક વલ્લભવિદ્યાનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી

આણંદ : આણંદ પાસેના વલ્લભવિદ્યાનગર પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનો ગ્રાફ ધીમે-ધીમે ઉંચે જઈ રહ્યો છે. થોડા સમય પૂર્વે વિદ્યાનગરના કરમસદ તથા બાકરોલ ખાતેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢી નડિયાદ તથા અમદાવાદ સુધીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો ત્યારે હવે ગાંધીનગરની વીજીલન્સની ટીમે ગતરોજ કરમસદ ગામની સીમમાંં ચાલતા વરલી મટકાના જુગારના અડ્ડા ઉપર છાપો મારી ૧૭ જેટલા શખ્શોને ઝડપી પાડતા ભારે ચકચાર મચી છે.

આણંદ પાસેના કરમસદ ગામના મુખ્ય માર્ગ પર આવેલા એક ઓટો ગેરેજની પાછળ ખુલ્લા પ્લોટમાં વરલી મટકાનો જુગારનો અડ્ડો શરૂ થયો હોવાની ગુપ્ત માહિતી ગાંધીનગરની વીજીલન્સની ટીમને મળી હતી. જેના આધારે ગઈકાલ સમીસાંજના સુમારે વીજીલન્સની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં વરલી મટકાના આંકડા લખતા તેમજ આંકડો લખાવવા આવેલ મળી આશરે ૧૭ જેટલા શખ્શો ઝડપાઈ જવા પામ્યા હતા. મોડી રાત સુધી વિદ્યાનગર પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી. જો કે કરમસદ ગામે થોડા દિવસ પૂર્વે જ શરૂ થયેલ આ વરલી મટકાનો અડ્ડો સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ જ શરૂ થયો હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. 

(5:42 pm IST)