Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

કપડવંજ તાલુકાના મુવાડાની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને અદાલતે દસ વર્ષની સજાની સુનવણી કરી

કપડવંજ:તાલુકાના જોરાપુરાની સગીરા ઉં.૧૬,૧૦ માસને ગત તા.૪-૨-૨૦૨૧ની રાત્રે ફૂલજીનાં મુવાડા ગામે રહેતો સંદીપ નટવરસિંહ સોલંકી ફોસલાવી પટાવી ભગાડી ગયો હતો. બાદમાં તેણી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યાની ઘટના બની હતી. આ બનાવ અંગે આતરસુબા પોલીસમાં સંદીપ સોલંકી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આરોપી સામે પૂરતો પુરાવો મળતા પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ નડિયાદની પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી મહિલા વકીલે સમાજમાં દાખલો બેસે અને આવા ગુનાઓ થતાં અટકે તે માટે આરોપીને સખત કેદની સજા કરવાની દલીલો તેમજ ૯ સાહેદોની મૌખિક જુબાની તથા૧૭ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતાં.

આ તમામ પુરાવાઓને માન્ય રાખી નડિયાદના સ્પે. પોકસો જજ ડી.આર. ભટ્ટે આરોપી સંદીપને કસૂરવાર ઠેરવી ઇ.પી.કો.કલમ ૩૬૩ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૫૦૦૦ દંડ, દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા, ઇ.પી.કો.કલમ૩૬૬ ના ગુનામાં પાંચ વર્ષની સખત સજા તથા રૂ.૫૦૦૦નો દંડ, દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા જ્યારે આઇ.પી. સી.કલમ ૩૭૬(૨)(એન)ના ગુનામાં તકસીરવાર ઠેરવી દસ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦ દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.તેમજ પોકસો એકટની કલમોમાં દસ વર્ષની સજા, રૂ.૧૦,૦૦૦નો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા નો હુકમ કર્યોે છે. 

(5:41 pm IST)