Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ 2022 માટે આ મહિને જાપાન અને દક્ષિણ કોરિયામાં રોડ શો યોજાશે

આ રોડઆયોજન જાપાનમાં એસોસિયેટેડ ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઑફ ઈન્ડિયા (એસોચેમ) તથા જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓગ્રેનાઇઝેશન (JETRO)ના સહયોગથી તથા દક્ષિણ કોરિયામાં કોરિયા ટ્રેડ પ્રમોશન કોર્પોરેશન (KOTRA)ના સહયોગથી યોજાશે

ગાંધીનગરઃ દેશનું સૌથી વધુ બિઝનેસફ્રેન્ડલી રાજ્ય ગુજરાત 10મી વાયબ્રન્ટ સમિટ યોજવા માટે સજ્જ થઈ રહ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે આટલાં વર્ષોમાં સમગ્ર વિશ્વમાં એક નવો માપદંડ પ્રસ્થાપિત કર્યો છે. માનનીય વડાપ્રધાનની પહેલને કારણે જ દેશમાં ગુજરાત આજે સૌથી વધુ બિઝનેસલક્ષી રાજ્ય બન્યું છે, પરિણામે વિકાસનાં ફળ સમાજના દરેક વર્ગને મળી રહ્યાં છે. ગાંધીનગર ખાતે 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 સમયે 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન થયું છે.

ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સુશ્રી અંજુ શર્માના નેતૃત્વ હેઠળ ઉચ્ચ સત્તાધારી પ્રતિનિધિમંડળ ટોચના ઉદ્યોગપતિઓ, રોકાણકારો તેમજ ભારતીય ડાયસ્પોરાના અગ્રણી સભ્યો સાથે વર્ચ્યુઅલ રોડ-શો યોજશે.

ગુજરાત સાથે જાપાન અને દક્ષિણ કોરિયાના મજબૂત સંબંધો છે અને રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં બંને દેશોની નોંધપાત્ર હાજરી છે. જાપાનની હિટાચી, સુઝુકી, હોન્ડા અને પેનાસોનિક તથા દક્ષિણ કોરિયાની કુકડો કેમિકલ્સ, હ્યુન્ડાઈ રોટેમ, સોંગવોન વગેરે કંપનીઓએ ગુજરાતમાં તેમના ઉત્પાદન એકમો સ્થાપ્યા છે. VGGS 2022 સમિટમાં જાપાન અને દક્ષિણ કોરિયાના ઉદ્યોગ સાહસિકો માટે વિપુલ તકો રહેલી છે.

આગામી રોડ-શો અંગે બોલતાં સુશ્રી અંજુ શર્માએ કહ્યું હતું કે, “અમે જાપાન અને દક્ષિણ કોરિયાના વેપાર અને બિઝનેસ પ્રતિનિધિઓને VGGS 2022માં આવકારવા આતુર છીએ. અમે ગ્રીન મોબિલિટી, સ્વચ્છ ઊર્જા, કૃષિ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં ક્ષેત્રોમાં મૂડીરોકાણ માટે તકો દર્શાવીશું.”

આ રોડ-શોનું આયોજન જાપાનમાં એસોસિયેટેડ ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઑફ ઈન્ડિયા (એસોચેમ) તથા જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓગ્રેનાઇઝેશન (JETRO)ના સહયોગથી તથા દક્ષિણ કોરિયામાં કોરિયા ટ્રેડ પ્રમોશન કોર્પોરેશન (KOTRA)ના સહયોગથી યોજાશે. વાયબ્રન્ટ સમિટમાં દક્ષિણ કોરિયાથી 150 પ્રતિનિધિ ભાગ લેશે, તથા જાપાનથી 200 પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. ભારતીય પ્રતિનિધિમંડળમાં જાપાન અને દક્ષિણ કોરિયા સાથે બિઝનેસ જોડાણ ધરાવતી ગુજરાતસ્થિત 30 કંપનીના વડાનો સમાવેશ થાય છે.  બીટુબી બેઠકો તથા જે તે ક્ષેત્રમાં MoUની કામગીરી આગામી બે અઠવાડિયામાં થશે.

રોડ-શો એ સમિટ પહેલાના કાર્યક્રમોનો ભાગ છે જેમાં ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ મૂડીરોકાણની તકો દર્શાવવામાં આવશે.

(4:57 pm IST)