Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

રાષ્ટ્રપતિ કોવિદના કાર્યક્રમમાં બેજવાબદાર વર્તન બદલ કાર્યપાલક ઇજનેરને શો કોઝ નોટીસ ફટકારતા ખળભળાટ

હું વડોદરા છું અને મારો ડ્રાઈવર રાજપીપલા છે કેવી રીતે આવું: કાર્યપાલક ઈજનેરનો જવાબ

કેવડિયા ટેન્ટ સીટી-2 ખાતે તાજેતરમાં યોજાયેલ ઓલ ઇન્ડિયા સ્પીકર કોન્ફેરેન્સની પૂર્વ તૈયારી દરમિયાન કરજણ સિંચાઈ યોજનાના કાર્યપાલક ઈજનેરને બેજવાબદારીના ભાગરૂપે નર્મદા DDOએ શો કોઝ નોટિસ ફટકારતા ખળભળાટ મચ્યો છે

   સમગ્ર કિસ્સામાં DDO એ કાર્યપાલક ઈજનેરને આપેલી નોટિસમાં જણાવ્યા મુજબ કેવડિયા ખાતે રાષ્ટ્રપતિ તેમજ અન્ય મહાનુભાવો આવનાર હોવાથી કલેક્ટર નર્મદાએ સમગ્ર વ્યવસ્થાનું ઘનિષ્ઠ આયોજન કર્યું હતું અને વિવિધ સમિતિઓ બનાવી વિભાગીય અધિકારીઓને જવાબદારી સોંપી હતી

 . દેશના તમામ રાજ્યો માંથી આવતા મહાનુભાવોના આવન જાવન, રહેઠાણ તેમજ અન્ય સુવિધા સચવાય તે માટે વર્ગ -2 ના અધિકારિઓને લાયઝનની જવાબદારી સોંપી હતી અને તેઓ બધાનું સંકલન કરવા વર્ગ-1 ના અધિકારી કાર્યપાલક ઈજનેર જે.ડી.વાઘેલાને જવાબદારી સોંપી હતી, જે અન્વયે કાર્યપાલક ઈજનેરને કેવડિયા આવવા જણાવતા અનેક વાર તેમનો મોબાઈલનો કોઈ રીપ્લાય આવતો ન હતો

DDO એ નોટિસમાં વધુ જણાવ્યા મુજબ જયારે જે.ડી.વાઘેલાનો સંપર્ક થયો ત્યારે એમણે કહ્યું હું વડોદરા છું મારો ડ્રાઈવર રાજપીપલા છે તો હું કેવી રીતે આવું એવો ગેરવ્યાજબી જવાબ આપ્યો હતો, બાદ એમનો સંપર્ક થઈ શક્યો ન્હોતો. એમનો નંબર સતત બંધ આવતો હતો.DDO એ સખત શબ્દોમાં જે.ડી.વાઘેલાને એમ પણ જણાવ્યું હતું કે તમે રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનું યોગદાન આપવાની કોશિશ કરી નથી, તમે મનસ્વી રીતે રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની અવગણના અને ઉપેક્ષા કરી છે, કોઈ પણ જાતની ગંભીરતા દાખવી નથી

  નર્મદા કલેકટરના PA એ પણ જે.ડી.વાઘેલાને ફોન કર્યો હતો પણ કોઈ રીપ્લાય મળ્યો ન હતો. કાર્યપાલાક ઈજનેરના આવા બે જવાબદાર વર્તનને લીધે સમગ્ર કામગીરીના નિયંત્રણ અધિકારી અને નર્મદા DDO એ કાર્યપાલક ઈજનેર જે.ડી.વાઘેલાને શો કોઝ નોટિસ ફટકારી તેની જાણ ગાંધીનગર સામાન્ય વહીવટ વિભાગ તેમજ સિંચાઈ વિભાગના સચિવને કરી છે.

કરજણ સિંચાઈ યોજનાના કાર્યપાલક ઈજનેર જે.ડી.વાઘેલાએ આ નોટિસ મુદ્દે જણાવ્યું કે નર્મદા DDO એ આપેલી નોટિસનો જવાબ પણ મેં આપી દીધો છે. વડોદરા કલેકટરે ઉપ રાષ્ટ્રપતિના લાઈઝન અધિકારી તરીકે મારી નિમણૂક કરી હતી, 22 મી તારીખે એ ઓર્ડર હું રદ કરાવવા વડોદરા કચેરીએ ગયો હતો.

અને 22 મી તારીખે કચેરી ચાલુ છે એવી વાત મને કોઈએ કરી જ નથી.22/11/2020 ના રોજ નર્મદા કલેકટર અને DDO ને મેં પણ ફોન કર્યો પણ મારો ફોન રિસીવ કર્યો ન્હોતો, મારી વિરુદ્ધ દબાણ પૂર્વક પૂર્વગ્રહ રાખી 22/11/2020 ના રોજ રાત્રે નોટિસ લખાવી હતી. કરજણ યોજનાની ઘણી જમીનો છે, વહીવટીતંત્ર એ જમીન માંગી તો મેં કહ્યું કે પરમિશન વગર મારાથી NOC ના અપાય, મારી પાસે કોઈ સત્તા નથી.આ જ મામલે મારે એમની સાથે તું તું મેં મેં થયા કરતું હતું.

(10:18 pm IST)