Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

પાલનપુર : ભાજપના કાર્યક્રમમાં કોરોના માર્ગદર્શિકાનો ભંગ થયો

કોરોનામાં સરકારી નિયંત્રણોના ધજ્જિયાં ઊડ્યા : સામાન્ય લોકો પર નિયંત્રણોના અમલ માટે દબાણ કરતી સરકાર તેના પક્ષના નેતાઓનો વાળ વાંકો કરી શકતી નથી

પાલનપુર, તા. ૧ : કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવાને તેની સરકાર અને ડબલ્યૂએચઓ દ્વારા ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈનનું લોકોને ફરજીયાત પણે પાલન કરાવવા આકરો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ રાજકીય પક્ષોના નેતાઓ માટે આ નિયમો ક્યાંય નથી લાગુ પડતા તેવું ચિત્ર ઉભુ થઈ રહ્યું છે.

ભાજપના ધારાસભ્ય, પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત મંત્રી પ્રમુખોએ સરકારની આબરૂના ધજાગરા ઉડાવ્યા હતાં. માસ્ક વગર તમામ ભાજપના પદાધિકારીઓ અને સોસીયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતાં. પાલનપુર ભાજપ કાર્યાલય ખાતે આજે યોજાયેલ કાર્યક્રમનો ફોટા વાઇરલ થયા છે. સંગઠનના ભાજપના નવા માળખાના વરાયેલા હોદેદારો સાથે કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠામાં ભાજપ નેતાઓ ભાન ભૂલ્યા હતાં. પાલનપુર ખાતે ભાજપના સંગઠનના નવા માળખાની રચના દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે સરાજાહેરમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગ થયો હતો.

         નવનિયુક્ત હોદ્દેદારોનો અભિવાદન કાર્યક્રમમાં ભાજપના નેતાઓ માસ્ક વગર નજરે પડ્યા હતાં. સૌથી આશ્ચર્યજનક વાત એ રહી હતી કે, કોરોનાની ગાઈડલાઈન્સના જાહેરમાં લીરે લીરા ઉડાડવામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચોધરી અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. આ આખો કાર્યક્રમ જ જિલ્લા અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો તેઓ પણ માસ્ક વગર નજરે પડ્યાં હતાં. કાર્યક્રમમાં ભાજપના હાજર રહેલા તમામ નેતાઓ અને હોદેદારો જાણે કોરોનાની કોઈ બિમારી જ ના હોય તેમ અને સત્તાના મદમાં ચૂર થઈને મોઢા ઉપર માસ્ક પહેર્યા વગર નજરે પડ્યા હતાં. આ નેતાઓ અને હોદેદારોએ માત્ર શોભાના ગાંઠીયાની માફક ફક્ત ગાળા સુધી જ માસ્ક પહેર્યા હતાં. લોકોએ માસ્ક પહેરવાની સલાહ આપનારા નેતાઓ જ બન્યા લાપરવાહ બન્યા હતાં. ભાજપના નેતાઓને જાણે કોરોનાનો ડર જ ન હોય તેવા દ્રશ્યો જોવા મળતા લોકમુખે એવી ચર્ચા જાગી છે કે, કોરોનાની ગાઈડલાઈન્સ માત્ર આમ જનતા માટે જ છે નેતાઓ માટે નહીં.

(9:14 pm IST)