Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કોવિડની સારવાર માટે દાખલ થયેલા મહિલાનો ફોન ચોરાયો

મહિલા વકીલ હોવાનું બહાર આવ્યું : જનકલ્યાણ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ મહિલા રાત્રે ઊંઘી ગયા ત્યારે ફોન ચોરાયો

અમદાવાદ,તા.૧ : કોરોના વાયરસની બીમારી જ્યારથી શરૂ થઈ ત્યારથી સરકારી હૉસ્પિટલોનાં અનેક વિવાદો સામે આવ્યા હતા. લાશ બદલાઈ જવી, સારવાર ન મળવી, સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓનાં મોત કે મોબાઈલ ફોન અને દાગીના ચોરાઈ જવાના કેસ સમયાંતરે નોંધાતા રહ્યા છે. આ ફરિયાદો વચ્ચે વધુ એક આવી જ ઘટના સામે આવી છે. શાહઆલમની જનકલ્યાણ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ મહિલા વકીલ રાત્રે ઊંઘી ગયા ત્યારે તેમનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો. સારવાર ચાલુ હોવાથી બાદમાં થોડા દિવસો બાદ તેઓએ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના કાગડાપીઠમાં રહેતા ૪૧ વર્ષીય મહિલા વકીલાત કરે છે. ભદ્રની સીટી સિવિલ કોર્ટમાં તેઓ વકીલાત કરે છે.

             ગત ૨૭મી ઓક્ટોબરે તેમની તબિયત લથડતા તેઓ એસવીપી હૉસ્પિટલ ગયા હતા. જ્યાં તેઓએ તપાસ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી એએમસીની ટીમે તેમના ઘર નજીકની શાહઆલમ ખાતેની જનકલ્યાણ હૉસ્પિટલમાં તેઓને રિફર કર્યાં હતાં. જેથી તેઓ તાત્કાલિક જનકલ્યાણ હૉસ્પિટલ પહોંચી ગયા હતા અને ત્યાં તેમની સારવાર શરૂ કરાઈ હતી. ગત ૨૯મી ઓક્ટોબરના રોજ રાત્રે ડૉક્ટર તેઓને તપાસવા આવ્યા હતા. ડૉક્ટરે તેઓને દવાઓ આપ્યા બાદ આ મહિલા ઊંઘી ગયા હતા. તેમણે પોતાનો મોબાઈલ ફોન તકીયા નીચે મૂક્યો હતો. ૧૧ વાગ્યાની આસપાસ તેઓ જાગ્યા ત્યારે તેમનો ફોન ન હતો. આસપાસમાં તપાસ કરતા તેમનો ફોન મળી આવ્યો ન હતો. જે બાદમાં તેઓએ હૉસ્પિટલના લોકોના ધ્યાન પર આ વાત મૂકી હતી. બાદમાં પોલીસને જાણ કરી તેઓએ અરજી આપી હતી. પહેલા કોરોનાની બીમારી અને બાદમાં દિવાળીનો તહેવાર હોવાથી હાલ તેઓએ અરજીના આધારે ફરિયાદ આપતા મણિનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(7:42 pm IST)