Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

વગર ડિગ્રીએ બની બેઠેલા ડૉક્ટરની ધરપકડ કરાઈ

એલોપેથી ક્લિનિક ચલાવીને છેતરપિંડી કરતો હતો : વિઠલાપુર ચાર રસ્તા પાસે એક વ્યક્તિ ડિગ્રી વગર પોતાનું ક્લિનિક ચલાવી રહી હોવાની પોલીસને માહિતી મળી હતી

અમદાવાદ,તા.૧ : અમદાવાદના ગ્રામ્ય એસઓજીએ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી ગ્રામીણ વિસ્તારમાં ખોટી રીતે પોતાનું ક્લિનિક ચલાવી રહ્યો હતો. ગ્રામ્ય એસઓજીને માહિતી મળી હતી કે, આરોપી ખોટી રીતે એલોપેથિક ક્લિનિક ચલાવી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો છે. તે માહિતીના આધારે, પોલીસે કાર્યવાહી શરૂ કરી અને આરોપીની ધરપકડ કરી છે. પોલીસને માહિતી મળી હતી કે, વિઠલાપુર ચાર રસ્તા પાસે આવેલા મેહતા કોમ્પલેક્ષમાં એક વ્યક્તિ ડિગ્રી વગર પોતાનું ક્લિનિક ચલાવી રહ્યો છે, તે માહિતી બાદ પોલીસ ત્યાં પહોંચી અને કાર્ય શરૂ કરી અને એક આરોપી સીરસ કુમાર અખાણીની ધરપકડ કરી છે. આરોપી હાલમાં માંડલ ખાતે રહેતો હતો અને મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે. આરોપી પાસેથી એલોપેથિક દવાનો જથ્થો અને મેડીકલ પ્રેક્ટિસના સાધનો કબજે કરવામાં આવ્યા છે. આરોપી સામે ગુજરાત મેડીકલ પ્રેક્ટિસ એક્ટ ૧૯૬૩ કલમ ૩૦ મુજબ વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

              પોલીસ હવે તપાસ કરી રહી છે કે, આરોપી કેટલા સમયથી વગર ડિગ્રીએ આ પ્રકારે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ મામલે ગ્રામ્ય ર્જખ્ત ના  પીએસઆઈ કેકે જાડેજા અને ટીમ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવા માં આવી છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા ધોળકા તાલુકાના બદરખા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી મુજબ, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સુચનાથી તાલુકા હેલ્થ ઓફીસર ડો.મુનીરા માસ્ટરની દેખરેખ હેઠળ ચલોડા મેડીકલ ઓફીસર ડો.સુભાષ પ્રજાપતિ સહિતની ટીમ દ્વારા ધોળકા તાલુકામાં ચેકીંગ હાથધરાયું હતું. જેમાં બદરખા ગામે કોઈપણ જાતની ડિગ્રી કે તબીબી સર્ટીફીકેટ ન હોવા છતાં ક્લીનીક ખોલી લોકોની તપાસ અને સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતાં બોગસ ડો.ડાયાભાઈ ઈશ્વરભાઈ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે ક્લીનીકમાંથી એલોપેથી દવાનો જથ્થો પણ ઝડપી પાડી પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જ્યારે બોગસ ડોક્ટર ઝડપાતા અન્ય ડોક્ટરોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

(7:40 pm IST)