Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

માતા ગુમાવતા લોકોને માસ્ક આપી સમજાવવાનું શરુ કર્યું

બિઝનેસમેનનો પરિવાર કોરોનાની ઝપેટમાં : ત્રણ દિવસ કેમ્પ કરીને ૧૧ હજાર માસ્કનું વિતરણ કર્યું

અમદાવાદ,તા.૧ : કોરોનાનો કાળો કહેર સમગ્ર દુનિયામાં વર્તાયો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કેટલાય લોકોના મૃત્યુ થતા જ્યાં સુધી વેકસીન ન આવે ત્યાં સુધી માસ્ક એ જ વેક્સિન સૂત્ર અપનાવી લોકોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે. આ સૂત્ર અવારનવાર સરકાર પણ જણાવી રહી છે. ત્યારે અમદાવાદના એક એવા બિઝનેસમેન જેમનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો. દુઃખની વાત એ હતી કે, કોરોનાના કારણે તેમના માતાનું નિધન પણ થયું હતું. જેથી લોકો હવે માસ્ક પહેરે અને કોરોનાથી બચી શકે તે માટે આ સેવાભાવી બિઝનેસમેને નવું અભિયાન શરૂ કર્યું છે.  શહેરમાં ત્રણ દિવસ કેમ્પ કરીને તેઓ ૧૧ હજાર એન૯૫ માસ્કનું વિતરણ કરશે. કોરોનાનો ભોગ અનેક લોકો બની રહ્યા છે. ત્યારે માસ્ક એજ વેકસીનના સૂત્રને ખરા અર્થમાં લોકો અપનાવી રહ્યા છે. શહેરમાં રહેતા પ્રિયંકભાઈ પોતાની એડ કંપની ધરાવે છે. તેઓ હાલ સેવાભાવી બિઝનેસમેન સાબિત થયા છે.

          પ્રિયંકભાઈના પરિવારના તમામ લોકો એક માસ પહેલા કોરોનાનો ભોગ બન્યા હતા. આ બિઝનેસમેને કોરોનામાં પોતાની માતાને પણ ગુમાવ્યા અને પિતાની તબિયત પણ હાલ નાદુરત છે. પોતાને કોરોના થતા આ વાયરસ કેટલો ગંભીર છે તેની સમજ આવતા લોકોને બચાવવા નવું અભિયાન છેડયું છે. શહેરના લોકો માસ્ક પહેરે અને કોરોનાથી બચી શકે તે માટે, સમાજના લોકોને ૧૧ હજાર એન૯૫ માસ્ક આપી સેવા કરવાનો આ બિઝનેસમેનેે નિર્ધાર કર્યો છે. વહેલી સવારથી જ શહેરમાં લોકો મોર્નિંગ વોક કરવા નીકળે ત્યારે માસ્કનું વિતરણ પણ તેઓએ શરૂ કર્યુ છે. સતત ત્રણ દિવસ સુધી તેઓ આ માસ્ક વિતરણ કરશે અને લોકોને પણ નાકની ઉપર માસ્ક પહેરવા અપીલ કરશે. આ બાબતે પ્રિયંકભાઈએ જણાવ્યું કે, તેમના પરિવારને કોરોના ઝપેટમાં આવતા તેઓએ જોયો છે. ખુદ તેમને પણ કોરોના થયો હતો અને કોરોના ખૂબ ખતરનાક છે તેનો અહેસાસ પણ કર્યો હતો. જેથી તેઓએ લોકોને બચાવવા આ અભિયાન શરૂ કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, માત્ર માસ્ક વિતરણ જ નહીં પરંતુ સાથે એક બુકલેટ પણ તેઓ લોકોને આપી રહ્યા છે. જેમાં કોરોના શુ છે, તેનાથી શારીરિક સમસ્યા શુ થાય છે અને કેટલો ઘાતક છે તેની સમજ આપી માસ્ક કેમ જરૂરી છે તે સમજાવવામાં આવ્યું છે.

(7:39 pm IST)