Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

સલામત સવારી ! : એસટી કંડકટરે ગાઈડલાઈનને કોરાણે મૂકી બસમાં 51 પેસેન્જર ભર્યા : જાગૃત નાગરિકે કંટ્રોલમાં કર્યો ફોન : ગુન્હો નોંધાયો

અંબાજીથી નારણ સરોવરની બસમાં કંડકટર જશુભાઈ ખાંટ વિરૂધ્ધ ગુનો દાખલ

અમદાવાદ : રાજ્ય સરકારની એસટી બસના કંડકટરે કોરોના ગાઈડલાઈનને કોરાણે મૂકીને બસમાં 51 પેસેન્જરો બેસાડી મુસાફરોનું સ્વાસ્થ્ય જોખમમાં મૂક્યું હતું. જાગૃત નાગરીકે પોલીસ કંટ્રોલને ફોન કરી એસટી બસમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન થતું હોવાની ફરિયાદ કરી હતી. બનાવ અંગે રાધનપુર પોલીસે એસટી ડેપો પર જઈ તપાસ કરતા અંબાજીથી નારણ સરોવરની બસમાં 51 પેસેન્જર બેસાડેલા હતા. પોલીસે બનાવ અંગે બસના કંડકટર જશુભાઈ ખાંટ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

બનાસકાંઠાના અમરગઢ ખાતે રહેતા દિપક મહેન્દ્ર વાસુએ પાટણ કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરી હતી કે, થરાદથી એસટી બસ નંબર જીજે 18 ઝેડ 6173 નીકળી છે. આ બસમાં કેપેસિટી કરતા વધુ મુસાફરો ભરવામાં આવી સરકારની ગાઈડલાઈનનું પાસલન ના કરી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં આવ્યો છે.

 

પાટણ કંટ્રોલરૂમ તરફથી રાધનપુર પોલીસને મેસેજ આપવામાં આવ્યો હતો. રાધનપુર પોલીસ એસટી ડેપો પર પહોંચી એસટી બસની વોચમાં ગોઠવાઈ હતી. દરમિયાનમાં અંબાજી-નારાયણ સરોવરની બસ આવતા પોલીસે પેસેન્જર ગણતા 51 હતા. તે સમયે બસમાં એસટી ડેપોના એટીઆઈ આગલોડિયા રસુલ રાજેભાઈ આવી પહોંચ્યા હતા.

રસુલભાઈને પોલીસે ગાઈડલાઈન અંગે પૂછતાં તેઓએ ક્ષમતાથી 75 ટકા પેસેન્જર લેવાના હોય છે તેમ જણાવ્યું હતું.આમ નિયમ મુજબ બસમાં 39 પેસેન્જરની જગ્યાએ કંડકટરે 51 પેસેન્જર બેસાડી ગાઈડલાઈનનું પાલન કર્યું ન હતું. રાધનપુર પોલીસે એસટી બસના કંડકટર જશુભાઈ સરદારભાઈ ખાંટ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી

(7:29 pm IST)