Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કોરોના અને રાત્રી કરફયુના કારણે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની હાલત કફોડીઃ ૮૦ ટકા એડવાન્સ બુકીંગ કેન્સલ કરાવી દેતા કરોડોનું નુકશાન

સુરત :ગુજરાતમાં કોરોના ફેઝ 2 ને કારણે સરકાર દ્વારા ચાર મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લગાડવામાં આવ્યો છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણ અને રાત્રિ કર્ફ્યુના કારણે ટુરિઝમ ઈન્ડસ્ટ્રીની હાલત ફરી એક વખત કફોડી બની છે. મહારાષ્ટ્ર, ગોવા સહિત અન્ય રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ ફરજિયાત થતાં સાઉથ ગુજરાતના ટુરીઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ધંધાર્થીઓએ કરાયેલા બુકીંગમાંથી 80 ટકા એડવાન્સ બુકિંગ લોકોએ કેન્સલ કરાવી દીધા છે. જેથી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

દિવાળી વેકેશનમાં સાઉથ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો અન્ય રાજ્યોમાં જતા હોય છે. પરંતુ અચાનક જ કોરોના ફેઝ- 2 માં સંક્રમણ વધતાં લોકોએ અગાઉ કરેલા એડવાન્સ બુકિંગ કેન્સલ કરવા માંડ્યા છે. આ અંગે સુરતના ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા રિતેશ પારેખે જણાવ્યું હતું કે, લોકો ગુજરાતના 500 કિલોમીટર અંદર આવતાં આ વિસ્તારમાં ફરવાનું વધારે પસંદ કરે છે. અગાઉ અન્ય રાજ્યોમાં કરવામાં આવેલા બુકિંગ મોટાભાગે કેન્સલ થઈ રહ્યા છે. 80% બુકિંગ કેન્સલ થયા છે. 

તો ટુરિઝમનો વ્યવસાય કરનારા કુલદીપ શર્માએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કરાયેલ બુકિંગ લોકો કેન્સલ કરી રહ્યા છે. કારણકે ત્યાંની સરકારે કોરોના ટેસ્ટ ફરજિયાત કર્યા છે અને કેટલાક લોકો આ ટેસ્ટ કરાવવા માંગતા નથી. ટેસ્ટના કારણે લોકો ભયભીત પણ છે. આ જ કારણ છે કે 80 ટકા લોકોએ બુકિંગ કેન્સલ કરાવી દીધા છે. કુલદીપ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, સૌથી મોટી મુશ્કેલી ટુરિઝમ વિભાગ સાથે સંકળાયેલા લોકોની એ છે કે બુકિંગ એક તરફ કેન્સલ થઈ રહ્યા છે. સાઉથ ગુજરાતમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. બીજી બાજુ એરલાઈન્સ કંપની રિફંડ આપવા તૈયાર નથી. અમારા રૂપિયા બંને બાજુથી ડૂબી રહ્યાં છે. 

(5:29 pm IST)