Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

નોઈડા પછી ગુજરાતમાં પ્રથમવાર ૫૦ કિલોમીટરના રોડ પર ટ્રાફિક સિગ્નલ ન આવે તેવી સુવિધાઃ અમિતભાઈ શાહ

અમદાવાદીઓ તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો માટે ખુબ જ ઉપયોગીઃ ૭૧ કરોડના ખર્ચે નવનિર્મિત સિંધુ ભવન ચાર રસ્તા અને સાણંદ જંકશન ફલાય ઓવરનું ઈ- લોકાર્પણ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે ગઈકાલે અમદાવાદમાં ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા ૭૧ કરોડના બે ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે ગુજરાતમાં થયેલા મહત્વના કાર્યોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગુજરાતમાં કોરોનાના સમયમાં પણ વિકાસની ગતિ રોકાઈ નથી જે અભિનંદનને પાત્ર છે.

સિંધુભવન ચાર રસ્તા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, સરખેજ- ચિલોડા- ગાંધીનગરના નવનિર્મિત છ માર્ગીય નવનિર્મિત રોડ અમદાવાદ અને ગાંધીનગરના સૌથી ઝડપથી વિકસતાં વિસ્તારમાંથી પસાર થાય છે. તેઓ જે મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તેવા ગાંધીનગર મતક્ષેત્રમાંથી ૯૦ ટકા માર્ગ પસાર થાય છે તેનો આનંદ તેમણે વ્યકત કર્યો હતો. અમદાવાદ-ગાંધીનગર-ચિલોડા છ માર્ગીય રોડથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જોડાવાની સાથે રાજસ્થાન જેવા રાજય પણ જોડાશે. આ છ માર્ગીય રોડ લોકોની ટ્રાફિકની સમસ્યા નિવારી ઓદ્યોગિક વિકાસ માટે પણ ઉપકારક સાબિત થશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ સૌરાષ્ટ્ર -ગાંધીનગર તથા ગુજરાત- રાજસ્થાનને જોડતાં આ માર્ગને ઝડપથી પૂર્ણ કરવા ગુજરાત સરકારનો આભાર માનતા કહ્યું કે, આ ફ્લાય ઓવરની સાથે અન્ય ફ્લાયઓવર પણ બનશે. જેનાથી રોકટોક વગરના ૫૦ કિલોમીટરના રોડ પર ટ્રાફિક સિગ્નલ ન આવે તેવા પ્રકારની સુવિધા દેશમાં નોઈડા પછી પ્રથમવાર ગુજરાતમાં ઊભી થઈ છે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતનો મહત્ત્વનો ધોરીમાર્ગ રાજકોટ- ગાંધીનગર હાઈવેને છ માર્ગીય કરવાના પ્રથમ ચરણમાં બે ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણ દેવ દીવાળીના પાવન પર્વે ગુજરાતના વિકાસની નવીન ક્ષિતિજો ઉઘાડનારો અવસર બન્યો છે. રાજય સરકારે હંમેશા દુનિયાના આધુનિક શહેરોની સગવડોને અપનાવી ગુજરાતને એક મોડેલ રાજય તરીકે રજૂ કર્યું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ કહ્યું કે, વર્ષ ૨૦૧૬-૧૭માં માર્ગ મકાન મંત્રી તરીકે આ પ્રોજેકટનો ખ્યાલ આવ્યો હતો. રાજકોટ અમદાવાદ હાઇવેને છ માર્ગીય કરવાનું શરૂ કરેલું કામ અત્યારે રૂ. બે હજાર કરોડના ખર્ચે ૬૦ થી ૭૦ ટકા પૂર્ણ થઇ ગયું છે. સરખેજ થી ચિલોડાનો માર્ગ પણ ૮૫૦ કરોડના ખર્ચે પૂર્ણ થવાની તૈયારીમાં છે. ફાટકમુકત ગુજરાત માટે કેન્દ્રની ૫૦ ટકા સહાયની સાથે ૩,૪૦૦ કરોડના ખર્ચે ૬૮ ઓવરબ્રિજનું કાર્ય થયું છે. વધુ ૭૨ બ્રિજનું ૩,૦૦૦ કરોડના ખર્ચે પ્રગતિમાં છે. આમ ૭,૪૦૦ કરોડના ખર્ચે ગુજરાતને ફાટકમુકત બનાવવાનું કાર્ય ચાલુ છે.

(11:49 am IST)