Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

સામાજીક જવાબદારી નિભાવવા માંગુ છું : માલિક

વડોદરાના ટી-સ્ટોલ પર રૂપિયા ૧૦ની એક કપ ચા સાથે માસ્ક ફ્રી

વડોદરા,તા.૧ : હાલ ગુજરાતમાં જે રીતે કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે તે જોતાં ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરવું ફરજિયાત છે. જાહેરમાં માસ્ક નહીં પહેરનાર વ્યકિતને રૂપિયા ૧૦૦૦નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં ચાની લારીવાળાએ તેના ત્યાં ચા પીવા માટે આવતા ગ્રાહકોને ચાની સાથે મફતમાં માસ્ક આપવાનું શરૂ કર્યું છે. વડોદરા શહેરની આ ચાની લારીવાળો આ યુવક સામાજિક જવાબદારીના ભાગરૂપે તેના ત્યાં ચા-કોફી પીવા માટે આવતા ગ્રાહકોને માત્ર ૧૦ રૂપિયામાં ચાની સાથે-સાથે માસ્ક પણ મફતમાં આપી રહ્યો છે.

 કોરોના વાયરસની મહામારીથી લોકોને બચાવવા અને જનજાગૃતિના ભાગરૂપે ચાની લારીવાળા આ યુવક દ્વારા ગ્રાહકોને ચાની સાથે મફતમાં થ્રી-લેયર માસ્ક આપવામાં આવી રહ્યું છે. આ ચાની લારીવાળા યુવકે પોતાની ગોલ્ડન ચા જેની કિંમત માત્ર ૧૦ રૂપિયા છે તેની સાથે ૩ રૂપિયાની કિંમતનું થ્રી-લેયર માસ્ક તેના ત્યાં ચા પીવા આવતા ગ્રાહકોને મફતમાં આપવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ ગ્રાહકોને તેઓ મફતમાં માસ્ક આપી ચૂકયા છે જયારે આજે પણ તેમણે ૫૦૦ માસ્કનો સ્ટોક પોતાની લારી ઉપર તૈયાર રાખ્યો છે.

 જયારે આ ચાની લારીવાળા યુવકે ન્યૂઝપેપરમાં વાંચ્યું કે કોરોનાકાળમાં માસ્ક નહીં પહેરનાર પાસેથી પોલીસ રૂપિયા ૧૦૦૦નો દંડ વસૂલે છે તેમ છતાં કેટલાંક લોકો માસ્ક પહેર્યા વિના બહાર ફરતા જોવા મળી રહ્યા છે ત્યારે તેમણે પોતાના ત્યાં ચા પીવા આવતા ગ્રાહકોને ચાની સાથે-સાથે મફતમાં માસ્ક આપવાનું નક્કી કર્યું છે.

(11:47 am IST)