Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

અહેમદભાઈ પટેલના સંતાનોએ રાજકારણમાં આવવાનો કર્યો ઇન્કાર ઇન્કાર : અટકળનો અંત

સંતાનોએ કહ્યું તેઓ રાજકારણમાં નહીં જોડાય અને પિતાના સામાજિક કાર્યોને આગળ વધારશે.

અમદાવાદ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદભાઈ પટેલના સંતાનોના રાજકારણમાં આવવાની અટકળોએ વેગ પકડ્યો હતો. જો કે અહેમદભાઈ  પટેલના સંતાનોએ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું છે કે, તેઓ રાજકારણમાં નહીં જોડાય અને પિતાના સામાજિક કાર્યોને આગળ વધારશે.

  તાજેતરમાં જ કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના વતન પિરામણ ખાતે આવ્યા હતા. જ્યાં તેમણે અહેમદભાઈ  પટેલના સંતાનોને રાજકારણમાં લાવવા સંકેત આપ્યો હતો. જો કે હવે અહેમદ પટેલના બન્ને સંતાઓને રાજકારણમાં આવવાનો ઈરાદો હોવાનો ઈન્કાર કર્યો છે.

  ગુજરાતથી કોંગ્રેસનારાજ્યસભા સાંસદ અહેમદભાઈ પટેલનું અવસાન થયુ હતું. તેઓ ઓગસ્ટ 2017માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા. તેમના અવસાન બાદ રાજ્યસભાની એક સીટ  ખાલી થઈ ગઈ છે. જો કે હવે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝે સોશિયલ મીડિયામાં એક મેસેજ પોસ્ટ કરીને રાજનીતિમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે.

 મુમતાઝે જણાવ્યું કે, અનેક લોકો મારા રાજકારણમાં આવવા વિશે વાતો કરી રહ્યાં છે, પરંતુ તેઓ અહેમદ પટેલના સામાજિક કાર્યોને આગળ વધારવા માંગે છે. પિતાએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક ક્ષેત્રે ઘણું જ કામ કર્યું છે. આથી તેઓ પિતાના કામને જ આગળ ધપાવતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માંગે છે. અહેમદભાઈ પટેલના  પુત્ર ફૈઝલે પણ પિતાના સેવાના કાર્યોને આગળ ધપાવવાનું જણાવ્યું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે અહેમદભાઈ પટેલના નિધનથી ખાલી પડેલી રાજ્યસભા સીટ  પર ડિસેમ્બર કે જાન્યુઆરીમાં ચૂંટણી થવાની સંભાવના છે. જો કે એક સીટ ચૂંટણી થવાથી વિધાનસભામાં સંખ્યાબળને જોતા આ બેઠક ભાજપના ફાળે જવાનું નક્કી જ છે. ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટોમાંથી 7 ભાજપ પાસે છે. જ્યારે ત્રણ કોંગ્રેસ પાસે છે.હાલ વિધાનસભામાં ભાજપના 111 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 65 છે. તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે તમામ 8 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસ આ પેટાચૂંટણીમાં પોતાની પરંપરાગત બેઠક પર બચાવી શકી નહતી.

(10:03 am IST)