Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

અમદાવાદમાં કોવિડ-19ની ગાઇડલાઇનનો ભંગ બદલ 2 દિવસમાં 3 લાખથી વધુનો દંડ ફટકારાયો

પશ્ચિમ-દક્ષિણ વિસ્તારમાં સૌથી વધુ દંડ વસુલાયો : માસ્ક વગર ફરતા 69 લોકોના ટેસ્ટ કર્યા હતા જેમાંથી 9 લોકો પોઝિટિવ આવ્યા

અમદાવાદમાં કોવિડ-19ની ગાઇડલાઇનનો ભંગ બદલ  2 દિવસમાં ત્રણ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહી શહેરમાં માસ્ક ના પહેરવા, થુંકવા, અને કોવિડ-19ના ભંગ બદલ કરવામાં આવી છે. અમદાવાદમાં માસ્ક વગર ફરતા 69 લોકોના ટેસ્ટ કર્યા હતા જેમાંથી 9 લોકો પોઝિટિવ આવ્યા હતા

   અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાંથી નેગેટીવ આવેલા લોકો પાસેથી 3 હજાર રૂપિયા તેમજ ઝોનમાંથી અન્ય લોકો પાસેથી 62000 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. આમ ટોટલ પશ્ચિમ વિસ્તારમાંથી 65 હજાર જેટલો દંડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસુલવામાં આવ્યો હતો. જ્યારે દક્ષિણ વિસ્તારમાં નેગેટીવ આવેલા લોકો પાસેથી 22 હજાર રૂપિયા દંડ તેમજ ઝોનમાંથી અન્ય લોકો પાસેથી 57 હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. આમ ટોટલ 79 હજાર રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો

પૂર્વ વિસ્તારમાં માસ્ક વગર ફરતા 11 લોકોને પકડીને તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 4 લોકો પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ઉત્તર વિસ્તારમાં પણ 6 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા જ્યારે દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં 15 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાંથી 3 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આમ 69 લોકોમાંથી 9 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નેગેટીવ આવેલા લોકો પાસેથી 60 હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો. જ્યારે ઝોનમાં અન્ય લોકો પાસેથી 2 લાખ 43 હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો. આમ આ રીતે માત્ર 29 અને 30 નવેમ્બરે બે દિવસમાં જ 3 લાખ 3 હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.

(11:16 pm IST)