Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

પ્રાંતિજના સોનાસણ ગામે ખેડૂત પરિવાર ઉપર ભમરાંનું ઝુંડ ત્રાટક્યું : ઝેરી ડંખથી પિતાનું મોત :બે બાળકો ઘાયલ

બાળકોના ચહેરાઓ ભમરાંના ડંખના કારણે સુઝીને દડા જેવા થઈ ગયા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ખેતરે જતા પિતા પુત્રો પર ભમરાનું ઝૂંડ ત્રાટક્યું હતું. ભમરાંના દંશથી પિતાનું મોત નીપજ્યું છે જયારે બે પુત્રો ઘાયલ થતા હિંમતનગર હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

  આ ચકચારી બનાવમાં પરિવારે મોભી ગુમાવતા સમગ્ર પ્રાંતિજ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. ભમરાંના ઝૂંડે પિતા પુત્રોને અસંખ્ય ડંખ મારતા તેના ઝેરથી પિતાનું મોત થયું હતું.

   મળતી વિગત મુજબ પ્રાતિંજ તાલુકાના સોનાસણ ગામે રહેતા એક ખેડૂત તેમના બે પુત્રો સાથે  બપોરે ખેતરે જવા નીકળ્યા હતા. દરમિયાન તેમના પર ભમરાંના ઝૂંડે હુમલો કરી દેતા તેઓ ગંભીર રીતે જખ્મી થયા હતા.

    ઝાડ પર બેસેલું ભમરાંનું ઝૂંડ અચાનક પિતા પુત્ર પર ત્રાટકી પડતા નાના પુત્રોએ બચાવ માટે કીકીયારીઓ બોલાવી હતી. જોકે, ઘટના સમયે તેમને ભમરાંઓની પાશમાંથી છોડવનાર કોઈ નહોતું. જ્યાં સુધી પિતા પુત્રોને સારવાર મળે તે પહેલાં પિતાનું પ્રાણનું પંખેરૂં ઉડી ગયું હતું.

   આ બનાવ બાદ હિમ્મત નગર સિવિલ હૉસ્પિટલમાં બંને બાળકોની સારવાર શરૂ છે. બાળકોના ચહેરાઓ ભમરાંના ડંખના કારણે સુઝીને દડા જેવા થઈ ગયા છે. જ્યારે પરિવારે તેમના મોભીને ગુમાવતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું છવાઈ ગયું છે.

ઘાયલ બાળકોમાંથી એક બાળકની ઉંમર તો માત્ર ચાર જ વર્ષ છે. આમ એક ગોઝારી ઘટનાએ બે વ્હાલસોયાઓને પોતાના પિતાથી અલગ કરી દીધા છે. ભમરાંના ડંખની આ ઘટના બાદ બંને બાળકો નોધારા બન્યા છે.

(11:30 pm IST)