Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

ઉમિયા મંદિરેથી ભવ્ય ૫૧૦૦ જવારાકુંડ શોભાયાત્રા નિકળી

લક્ષચંડી મહાયજ્ઞની તડામાર તૈયારી જારી : ૭૦૦ શ્લોકનાં દુર્ગાસપ્તસતિના એક લાખ પાઠ પારાયણ

અમદાવાદ, તા.૧ : ઉઝામાં કડવા પાટીદાર સમાજનાં કુળદેવી ઉમિયા માતાજીના સાનિધ્યમાં તા.૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન વિશ્વ કલ્યાણ અર્થે મા ઉમા લક્ષચંડી યજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. જેના ભાગરૂપે આજે તા.૧લી ડિસેમ્બરને રવિવારથી તા.૧૭ ડિસેમ્બર સુધી ઉમિયાબાગમાં મા ઉમિયાની અખંડ જયોતની સાક્ષીમાં ૧૧૦૦ ભુદેવો દ્વારા સતત ૧૬ દિવસ ૭૦૦ શ્લોકના દુર્ગા સપ્તસતિના એક લાખ પાઠનું પારાયણ થનાર છે. જેના અનુસંધાનમાં આજે રવિવારે સવારે ૭-૩૦ વાગે ઉમિયા માતાજી મંદિરથી ઉમિયાબાગ પાઠશાળા સુધી ૧૧૦૦ ભૂદેવો સાથે ૫૧૦૦ જ્વારાકુંડની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં હજારો પાટીદારો શોભાયાત્રામાં જોડાયા હતા.

             ૫૧૦૦ જ્વારાકુંડની ભવ્ય શોભાયાત્રામાં મા ઉમિયાની અખંડ જ્યોત, દિવ્ય રથ તેમજ માં ઉમાના હજારો ભક્તો જોડાયા હતા. મૂડેઠીના વતનીને હાલ રહે મુંબઈ-કાંદિવલીના શાસ્ત્રી રાજેશભાઈ અનંતદેવ શુક્લ વેદોક્ત ૧૮૦૦ ભૂદેવોથી તા.૧થી ૨૨ ડિસેમ્બર સુધી લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય ગોર પદે ધર્મોત્સવ પાવનકારી બનશે. આ યજ્ઞશાળામાં ૩૬ બાય ૩૬ની નવ કુંડી તેમજ ૨૪ બાય ૨૪ની ૯૯ કુંડીમાં બિલી ફળ ૧૦ કોથળા, સુગંધીવાળો ૫૦ કિલો, તલ ૮ હજાર કિલો, જવ ૨૫૦ કિલો, હવન સામગ્રી ૫૦૦ કિલો, ડાંગર ૪ હજાર કિલો, કમળ કાકડી ૨૫૦ કિલો, શુધ્ધ ઘી ૧૫૦ ડબ્બા, સરસવનું તેલ એક ડબ્બો દીવા માટે, ખડી સાકર ૫૦૦ કિલો, ગૂગળ એક હજાર કિલો, ખારેક ટુકડી ૧૦૦ કિલો, ટોપરા કાચલી ૧૦૦ કિલો, કપૂર કાચલી ૧૦૦ કિલો, સુખડ પાવડર ૧૦૦ કિલો, જટામસ ૫૦ કિલો, ભોજપત્ર ૨ કિલો, ખીર ૧૦ ચોખા, સામિ અને આંબા તેમજ પીપળાના ૭૫ હજાર કિલો કાષ્ટ, સમિધા ૧૧૦ જોડી, છાણાં ૬ ટ્રેક્ટરનો ઉપયોગ થશે. જેની આહુતિ ૭૦૦ બ્રાહ્મણો દ્વારા અપાશે. લક્ષચંડી મહાયજ્ઞને લઇ હાલ તડામાર તૈયારીઓ અને માહોલને લઇ સમગ્ર પાટીદાર સમાજમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(9:44 pm IST)