Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

ગઈકાલે રાત્રે વાઘોડિયાના વાતાવરણમાં પલટો : મધ્યરાત્રીએ વાવાઝોડા સાથે એક કલાક સુધી મુશળધાર વરસાદ : કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ

વડોદરાઃ ધરતીપુત્રોને કમોસમી વરસાદની કળ હજુ નથી વળી ત્યાં ફરી એક વખત જગતના તાત માટે માઠા સમાચાર આવ્યા છે. દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચોથી ડિસેમ્બરના રોજ સામાન્ય કમોસમી વરસાદ પડશે.

આ દરમિયાન ગઈકાલે રાત્રે વાઘોડિયાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. મધ્યરાત્રીએ વાવાઝોડા સાથે એક કલાક સુધી મુશળધાર વરસાદથી નગરના રોડ રસ્તા પર કમોસમી વરસાદના પાણી ફરી વળ્યા હતા.

કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા હતા. અચાનક વરસાદથી ખેતરમા રાખેલી ડાંગર ને ઢાંકવા ખેડૂતોએ દોડધામ કરી હતી. તેમ છતાં માલ પલળી ગયો હતો. એક તરફ કમોસમી વરસાદના રાહત પેકેજ અને વીમા કંપનીઓની ધીમી કામગીરીથી ખેડૂતો પીડાઈ રહ્યા છે, તેવામાં ફરીથી કમોસમી વરસાદથી જગતના તાતની હાલત બેહાલ થઈ છે. જે ખેડૂતોએ રવિ પાકની વાવણીની તૈયારી કરી છે તેઓ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.

(1:29 pm IST)