Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

સુરતમાં ૧૧ વર્ષની પુત્રી પર સાવકા પિતાએ કરેલુ દુષ્કર્મ

પિતા-પુત્રીના સંબંધો લાજે તેવી ઘટના સપાટીએ : પોલીસની બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવીને ઉંડી તપાસ

અમદાવાદ, તા. ૩૦ :     સુરતમાં એકવાર ફરી પિતા અને પુત્રી વચ્ચેના સંબંધો લજવતી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક હવસખોર સાવકા પિતાએ પોતાની ૧૧ વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવાની સાથે સાથે ફિટકારની લાગણી પ્રસરી ગઇ હતી. પિતા દ્વારા પોતાની ૧૧ વર્ષની દીકરી સાથે એક વાર નહીં પણ અનેક વખત બળાત્કાર કર્યાની વાત પોલીસ તપાસમાં સામે આવી હતી. સમગ્ર ઘટનાને લઇ ખુદ બાળકીની માતાએ આરોપી સાવકા પિતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી હતી.  આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતનાં સલાબતપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પતિ છેલ્લા લાંબા સમયથી તેની ૧૧ વર્ષની દીકરી સાથે અવાર નવાર બળાત્કાર ગુજારતો હતો. જોકે પતિનાં મૃત્યુ બાદ આ મહિલાએ બીજા યુવક સાથે લગ્ન કર્યા હતા. આ મહિલા કામ અર્થે બહાર ગઈ હતી અને પછી આવી ત્યારે તેનો પતિ કઢંગી હાલતમાં જોવા મળ્યો હતો. જો કે, તેને પતિ પર શંકા જતા પોતાની ૧૧ વર્ષની દીકરીને બોલાવી સમજાવી અને તેને બધી વાત પૂછી હતી. દિકરીએ પિતાની હકીકત જણાવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેને વિશ્વાસ નહોતા થતો કે પોતાની પુત્રી સાચું કહી રહી છે કે નહીં, જોકે, વધુ પૂછતાં દીકરીએ જણાવ્યું હતું કે, આ પહેલા પણ બે વખત આવી રીતે પિતાએ દુષ્કર્મ કર્યું હતું. આ સાંભળીને માતા તાત્કાલિક પોતાની દીકરીને લઈને સલાબતપુરા પોલીસ મથકે પહોંચીને પોતાના પતિ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદનાં આધારે પોલીસે બાળકીનું મેડિકલ ચેકઅપ શરુ કરી આ મામલે તપાસ શરુ કરી છે. બીજીબાજુ, બનાવને લઇ સુરતમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(10:48 am IST)