Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

વડોદરા દુષ્કર્મ કેસમાં માહિતી આપનારને એક લાખનું ઇનામ

માહિતી મેળવવા પોલીસ કમિશનરની જાહેરાત : સામૂહિક દુષ્કર્મની ઘટનાને ૪૮ કલાક થવા આવ્યા છતાંય શખ્સો પોલીસ સકંજાથી દુર : જુદા જુદા એન્ગલથી તપાસ

અમદાવાદ, તા.૩૦ :      વડોદરા સામૂહિક દુષ્કર્મને ૪૮ કલાક જેટલો સમય થવા આવ્યો છતાં હજુ સુધી વડોદરા પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. આરોપીઓની માહિતી મેળવવવામાં પણ પોલીસને સફળતા મળી નથી, જેના કારણે આખરે ખુદ વડોદરા પોલીસ કમિશનર દ્વારા હવે આરોપીઓને પકડવા માટે માહિતી આપનારને એક લાખનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપીઓના નવા સ્કેચ પણ જાહેર કર્યા છે. પોલીસની ૨૨થી વધુ ટીમો દુષ્કર્મનો કેસ ઉકેલવા માટે કામે લાગી છે. પોલીસ તરફથી આસપાસના દરેક ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાત્રે ૯ વાગ્યા બાદ દાંડિયા બજાર બ્રિજ ઉપર બેસવા આવતા લોકો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ મામલે વડોદરા શહેર કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું હતું કે, વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે તા.૨૮ તારીખે રાત્રે બનેલા બનાવમાં આરોપીઓને પકડવા માટે પોલીસના વિવિધ વિભાગની ૨૨ જેટલી ટીમો કામ કરી રહી છે.

             આશરે ૨૦૦ જેટલા પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એસઓજીના જવાનો તપાસમાં લાગ્યા છે. આ વિસ્તારના તમામ ઘરોમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે સાથે બંને આરોપીઓના નવા સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. આ બંને સ્કેચ ૯૦ ટકા જેટલા મળતા આવે છે. પીડિતાને આ સ્કેચ બતાવવામાં આવતા તેણે આરોપીઓ આવા જ દેખાતા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત આરોપીઓની માહિતી આપનારને રૂપિયા એક લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે માહિતી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

           પોલીસના જણાવ્યા પ્રમાણે ટેકનીકલ ટીમ, એફએસએલ, મેડિકલ ટીમ અને સીસીટીવી ટીમની મદદથી ૫૦ જેટલા શકમંદોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્કેચ જેવા દેખાતા ૧૦-૧૨ યુવકોની પણ પોલીસે અટકાયત કરીને તેમની પૂછપરછ કરી છે. પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે નવલખી મેદાનની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે અહીં કોઈ જાણકાર વ્યક્તિ જ આવી શકે. મેદાનના પાછળનો આખો વિસ્તાર ઝાડી ઝાંખરા વાળો છે. એટલે વારંવાર આ વિસ્તારનો ઉપયોગ કરતા હોય તેવા લોકો જ આ કેસમાં સંડોવાયેલા હોવાની આશંકા છે. આ ઉપરાંત પોલીસે ડ્રોનની મદદથી આખા નવલખી મેદાનનો સર્વે કર્યો છે.

એટલું જ નહીં મેદાનના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર લાગેલા સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે આ આખો વિસ્તાર ખાનગી માલિકીનો છે. પોલીસે આ વિસ્તારમાં લાઇટિંગની વ્યવસ્થા કરવા માટે કોર્પોરેશનને વિનંતી પણ કરી છે.

(8:46 pm IST)