Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન સંકુલનું આજે લોકાર્પણ કરાશે

કેન્સર, કિડનીના દર્દી માટે સંકુલ આશિર્વાદસમાન : મુખ્યમંત્રી લોકાર્પણ કરશે : જરૂરિયાતમંદ લોકોને ટોકન ભાવે રહેવા, જમવા સહિતની ઘણી સુવિધાઓ પૂરી પડાશે

અમદાવાદ, તા.૧: એશિયાની સૌથી મોટી એવી અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર, કિડની, હાર્ટ સહિતની ગંભીર બિમારીઓની સારવાર અર્થે આવતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા નથી હોતા તેવા સમયે સિવિલ હોસ્પિટલના ગેટ નંબર-૩ની સામે જ આવેલ લાયન્સ કલબ ઓફ દિગ્વિજયનગરના દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન દ્વારા રૂ.૨૫ કરોડના ખર્ચે પંદર માળનું અદ્યતન અને ભવ્ય સંકુલનું નિર્માણ કરી આવા દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓ માટે એક પ્રેમ અને હુંફભર્યું આશ્રયસ્થાન ઉભુ કરવામાં આવ્યું છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આવતીકાલે દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનના આ અદ્યતન સંકુલનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકર, ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. કેન્સર, કિડની, હાર્ટ સહિતની ગંભીર બિમારીઓના દર્દીઓ અને તેમના સગાવ્હાલા માટે દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનનું આ અદ્યતન સંકુલ સાચા અર્થમાં આશીર્વાદસમાન બની રહેશે. સિવિલ હોસ્પિટલની સામે નિર્માણ કરાયેલા આ અદ્યતન સંકુલ અંગે દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનના એકટીંગ ચેરમેન લલિતભાઇ સંઘવી, મનેજીંગ ટ્રસ્ટી ચંદ્રકાંતભાઇ દલાલ અને ખજાનચી રાજેન્દ્રભાઇ લાલવાણીએ જણાવ્યું હતું કે, આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાંજે છ વાગ્યે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના સગાઓ માટે આ સંકુલ ખુલ્લું મૂકશે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ સંકુલમાં કેન્સર, કિડની ડાયાલિસીસ સહિતની ગંભીર બિમારીઓના દર્દીઓ અને તેમના પરિજનો કે સગાવ્હાલાઓને કોઇપણ જાતના ભેદભાવ કે પક્ષપાત વિના માત્ર ટોકન ભાવે રહેવા, જમવા સહિતની અનેકવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. પંદર માળના આ નવા અદ્યતન સંકુલમાં કુલ ૧૭૭ રૂમની વ્યવસ્થા છે, જેમાં એસી અને નોન એસી રૂમ  ટીવી, ફ્રીઝ, ગરમ અને ઠંડા પાણી સહિતની તમામ સુવિધાઓથી સજ્જ છે. આ સિવાય જૂના બિલ્ડીંગમાં ૯૦ રૂમ પહેલેથી જ ઉપલબ્ધ છે. તેમાં નવા સંકુલના ૧૭૭ રૂમોનો ઉમેરો થતાં હવે દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનના આ સેવાકાર્યમાં કુલ ૨૬૭ રૂમો સાથે દર્દીઓની સેવા-સુવિધામાં ઉમેરો કરાયો છે.

દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનના એકટીંગ ચેરમેન લલિતભાઇ સંઘવી, મનેજીંગ ટ્રસ્ટી ચંદ્રકાંતભાઇ દલાલ અને ખજાનચી રાજેન્દ્રભાઇ લાલવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અદ્યતન સંકુલનું લોકાર્પણ કરી ગરીબ દર્દીઓ અને તેમના સગાવ્હાલા માટે ખૂલ્લું મૂકશે. તેની ખુશીમાં દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓને દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન દ્વારા તા.૩૦ નવેમ્બર, તા.૧ લી ડિસેમ્બર અને તા.૩જી ડિસેમ્બર એમ ત્રણ દિવસ દરમ્યાન નાસ્તા અને ભોજનની વિનામૂલ્યે સેવા પૂરી પાડવાનું આયોજન કરાયું છે. છેલ્લા ૪૬ વર્ષોથી લાયન્સ કલબ ઓફ દિગ્વિજયનગર અને તેના દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની નિઃસ્વાર્થભાવે સેવા કરવામાં આવી રહી છે. હાલની તારીખે પણ ફાઉન્ડેશન દ્વારા માત્ર રૂ.૨૦માં દર્દીઓ અને તેમના પરિજનો કે સગાઓને જમવાનું અને માત્ર દસ રૂપિયામાં ભરપેટ નાસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ સિવાય ગરીબ અને નિસહાય દર્દીઓને દવા, સારવાર સહિતની અનેકવિધ સેવાઓ ફાઉન્ડેશન દ્વારા પૂરી પડાય છે.

(10:01 pm IST)