Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

૮૫ ટકા HIV અસુરક્ષિત જાતિય સંબંધના લીધે ફેલે છે

વિશ્વ એઇડ્સ દિનને લઇ રાજયમાં કાર્યક્રમો : ગર્ભવતી માતાના ગર્ભમાં રહેલા શિશુને એચઆઇવીનો ચેપ લાગવા માટે દર ઘટયો : નિયમિત દવા ઉપયોગી છે

અમદાવાદ,તા.૧ : આજે વિશ્વ એઇડ્સ દિનને લઇ શહેરની સિવિલ હોસ્પિટલ સહિત રાજયભરમાં એઇડ્સ અને એચઆઇવી પોઝીટીવ વિશેની જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. જો કે, પાછલા વર્ષોની સરખામણીમાં નાકો, કેન્દ્ર સરકાર અને રાજય સરકારની સાથે સાથે સિવિલ હોસ્પિટલ સહિતના સંબંધિત સત્તાવાળાઓના સહિયારા પ્રયાસ અને ઝુંબેશને પગલે એચઆઇવી પોઝીટીવ અને એઇડ્સના કારણે થતાં મૃત્યુનું પ્રમાણ એકંદરે ઘટયું છે પરંતુ યુવાઓમાં એઇડ્સનું પ્રમાણ વધુ નોંધાયું છે. ખાસ કરીને ૮૦થી ૮૫ ટકા એચઆઇવી પોઝીટીવ અસુરક્ષિત જાતીય સંબંધ(અસલામત શારીરિક સંબંધ)ના કારણે ફેલાય છે. અલબત્ત નિયમિત અને કાળજીપૂર્વક દવાઓ ચાલુ રખાય તો એઇડ્ઝને દૂર રાખી શકાય છે એમ અત્રે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું. એઇડ્સ વિશે આંકડાકીય માહિતી સહિતની વિગતો આપતાં ડો.એમ.એમ.પ્રભાકરે વધુમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં કાર્યરત એન્ટી રીટ્રોવાયરલ થેરાપી સેન્ટરમાં એચઆઇવી પોઝીટીવ અને એઇડ્સના દર્દીઓની અસરકારક દવા અને સારવાર કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના એઆરવી સેન્ટરને નાકો દ્વારા સેન્ટર ફોર એકસલેન્સ પણ જાહેર કરાયેલું છે. જો કે, અગાઉના વર્ષો કરતાં એચઆઇવી પોઝીટીવ અને એઇડ્સને લગતી જાગૃતિ વધતાં તેનાથી થતા મૃત્યુનો દર ઘટયો છે. તો, ગર્ભવતી માતાથી ગર્ભસ્થ શિશનું ચેપ લાગવાનું પ્રમાણ એકંદરે ઘટયું છે. સિવિલ હોસ્પિટલના જ એઆરવી સેન્ટરના આંકડા જોઇએ તો, એઇડ્સના કારણે પાછલા કેટલાક વર્ષો પહેલાનો મૃત્યુદર ૨૮થી ૩૦ ટકાની આસપાસ હતો, તે આજે ૨૦૧૮માં ઘટીને ૨૨ ટકાની આસપાસ થઇ ગયો છે. આ જ પ્રકારે ગર્ભવતી માતાથી ગર્ભસ્થ શિશુને ચેપના દર વર્ષે ૪૫થી ૫૫ કેસો નોંધાતા હતા, તે ઘટીને ૩૦થી ૩૫ થયા છે એટલે તેમાં પણ ઘટાડો નોંધાયો છે. ડો.એમ.એમ.પ્રભાકર, મેડિકલ રેકર્ડ ઓફિસર તેમજ આઇટી સેલના ઇન્ચાર્જ ડો.શૈલેષ સોલંકી અને સેન્ટરના રિસર્ચ ઓફિસર ડો.બુરજીમ કાવીનાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં દર મહિને સવા સોની આસપાસ દર્દીઓ નવા એચઆઇવી પોઝીટીવના નોંધાતા હોય છે. અહીંના એઆરવી સેન્ટરમાં એચઆઇવી પોઝીટીવ અને એઇડ્સના દર્દીઓને ફર્સ્ટ લાઇન, સેકન્ડ લાઇન અને થર્ડ લાઇનની દવા અને અસરકારક સારવાર આપવામાં આવે છે,  જે માટે નાકો તરફથી વિનામૂલ્યે દવા પૂરી પડાતી હોય છે. ૨૦૦૪થી લઇ ૨૦૧૮ સુધીમાં એચઆઇવી પોઝીટીવના ૨૪,૩૨૦થી વધુ દર્દીઓ નોંધાયા છે,જેમાંથી ૧૫,૮૫૮ જેટલા દર્દીઓ આ અંગેની દવા લઇ રહ્યા છે. લગભગ ૧૫થી ૧૬ ટકા કિસ્સામાં દર્દીઓ દવા બંધ કરી દેતા હોય છે પરંતુ જો એચઆઇવી પોઝીટીવ અને એઇડ્સની દવા નિયમિત અને કાળજીપૂર્વક લેવામાં આવે તો ચોક્કસ એઇડસને દૂર રાખી શકાય છે. ડાયાબિટીસની જેમ તેનું નિવારણ ના થઇ શકે પરંતુ નિયંત્રણમાં ચોક્કસ રાખી શકાય અને વ્યકિત સારી રીતે લાંબુ જીવન જીવી શકે છે.

એઇડ્સ દિવસની સાથે સાથે

સિવિલમાં ૭૦ જેટલા બાળકોને ગીફ્ટ અપાઈ

        અમદાવાદ,તા.૧ : આજે વિશ્વ એઇડ્સ દિનને લઇ શહેરની સિવિલ હોસ્પિટલ સહિત રાજયભરમાં એઇડ્સ અને એચઆઇવી પોઝીટીવ વિશેની જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. એઇડ્સ દિવસની સાથે સાથે નીચે મુજબ છે.

સિવિલમાં ૭૦થી વધુ બાળકોને ગીફ્ટ-સુખડી અપાઇ

સિવિલ હોસ્પિટલમાં એઆરટી સેન્ટર અને બીજે મેડિકલ કોલેજ ખાતે આજે વિશ્વ એઇડ્સ દિન નિમિતે યોજાયેલા જાગૃતિ અને પ્રોત્સાહક કાર્યક્રમ દરમ્યાન મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકર દ્વારા ૭૦થી વધુ બાળકોને અપરીસીએશન પ્રમાણપત્ર એનાયત કરાયા હતા અને તેઓને પ્રોત્સાહિત કરાયા હતા. એટલું જ નહી, એચઆઇવીગ્રસ્ત બાળકોને ડો.પ્રભાકરના હસ્તે ગીફ્ટ અને સુખડી પણ આપવામાં આવ્યા હતા, જેને લઇ બાળકોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના ડો.સંજય કાપડિયા, ડો.સંજય સોલંકી, ડો.બુરજીમ કાવીના સહિતના તબીબો, સ્ટાફ કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા. એ પછી બી.જે.મેડિકલ કોલેજમાં વિશ્વ એઇડ્સ દિનને લઇ એચઆઇવી-એઇડ્સની જાગૃતિ, દવા અને સારવારની સમજ આપતો સુંદર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ, તબીબો અને સ્ટાફે ભાગ લીધો હતો.

શહેરમાં દોઢેક વર્ષમાં એઇડ્સના ૩૩૯૨ દર્દી નોંધાયા

   એઇડ્સને લગતા તંત્રના સત્તાવાર આંકડા મુજબ શહેરમાં ગત તા.૧ એપ્રિલ, ર૦૧૭થી ગત તા.પ સપ્ટેમ્બર સુધીમાં એઇડ્સના ૩૩૯ર દર્દી નોંધાયા છે. તંત્રના આઇસીટીસી સેન્ટર ઉપરાંત એઇડ્સગ્રસ્ત પ્રેગ્નન્ટ મહિલાના શિશુને સંભવિત એઇડ્સ રોગથી સુરક્ષિત કરવા માટે પણ સિવિલ, વીએસ, એલ.જી. અને શારદાબહેન હોસ્પિટલમાં ખાસ પ્રિવેન્શન ઓફ પેરેન્ટ્સ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમીશન(પીપીસીટી) સેન્ટર કાર્યરત કરાયા છે. જોકે શહેરમાં માતાથી બાળકોને ચેપ લાગવાનો દર ૦.પ ટકા જેટલો નીચો છે. શહેરમાં સ્પીપા સહિતના પાંચ પીપીપી ધોરણના સેન્ટરો પણ અએઇડ્સના દર્દીઓ માટે ચાલે છે. એચઆઇવી-એઇડ્સ માટેના ચાર રિસ્ક ફેકટર છે, જેમાં અસુરક્ષિત જાતીય સંબંધ, અસુરક્ષિત બ્લડ ટ્રાન્ફયુઝન, મધર ટુ ચાઇલ્ડ અને યુઝ થયેલી સીરીન્જ-નીડલ વાપરવાથી એચઆઇવી પોઝીટીવ થવાની શકયતા રહેલી હોય છે.

 

 

(8:39 pm IST)