Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

માયા કોડનાણી ફરી રાજકારણમાં સક્રિય થવું છે

ભાજપ મહિલા મોરચા અધિવેશનમાં તેઓ ગુજરાત મહિલા મોરચાનું પ્રતિનિધિત્વ કરશે

અમદાવાદ તા. ૧ : ખૂબ લાંબા સમયથી સક્રિય રાજકરણથી દૂર રહ્યા બાદ અને હવે જયારે નરોડા પાટિયા કેસમાં કોર્ટ દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે નરોડાના ભૂતપૂર્વ ધારાસભ્ય માયા કોડનાણીએ કહ્યું કે તેઓ ફરી એકવાર સક્રિય રાજકરણમાં એકિટવ થશે અને ડિસેમ્બરમાં મળનારા ભાજપ મહિલા મોરચા અધિવેસનમાં તેઓ ગુજરાત મહિલા મોરચાનું પ્રતિનિધિત્વ કરશે.

કોડનાનીએ કહ્યું કે, 'અમદાવાદ અથવા ગાંધીનગર ખાતે ભાજપનું આ અધિવેશન યોજાશે. મે પાર્ટીને જણાવી દીધું છે કે હું કોઈપણ પ્રકારની જવાબદારી સંભાળવા માટે તૈયાર છું.' ઉલ્લેખનીય છે કે કોડનાણી હાલ નરોડા ગામ કેસમાં જામીન પર જેલ બહાર છે. શુક્રવારે તેઓ ગ્લોબલ ઇન્ડિયન્સ ફોર ભારતીય વિકાસ નામના NGOના રી લોન્ચમાં આવ્યા હતા. આ NGOના ચેરમેન વડાપ્રધાન મોદીના મોટાભાઈ સોમા મોદી છે અને સેક્રેટરી અંજલી પંડ્યા છે.

NGO રી-લોંચ સમયે સોમા મોદીએ કહ્યું કે, 'પ્રાદિશેકી પક્ષોની સતત દખલગીરી અને સંસદમાં કોઈપણ ભોગે કામ નહીં થવા દેવાના વિરોધી પક્ષના વલણના કારણે દેશને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આ ટ્રેન્ડને લોકોએ બદલી નાખવો જોઈએ અને રાષ્ટ્રીય હિતને જ સર્વોપરી રાખતા કોઈ એક પક્ષને સૌથી મોટા વિજેતા બનાવવો જોઈએ.'

જોકે તેમણે ફોડ પાડીને કહેવાની ના પાડી હતી કે GIBV કઈ પાર્ટી માટે કેમ્પેઇન કરશે. જોકે GIBVની પ્રેસ રીલીઝમાં જણાવાયું છે કે પીએમ મોદીના રાષ્ટ્રવાદ સાથે સહમત થતા તમામ NRI GIBV કેમ્પેઇનમાં સામેલ થશે. તેમણે કહ્યું કે, 'અમે તમામ મતદાતાઓને જાતી, ભેદભાવ, ધર્મ અને રાજયના મતભેદ ભૂલીને ભારત માટે મતદાન કરવા જણાવીશું.' (૨૧.૪)

 

(10:03 am IST)