Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

અમદાવાદમાં આંખના ઓપરેશન સમયે એનેસ્થેટિસ્ટ સાથે વાતો કરવામાં ઇન્જેકશન આપી દેતા ડો.સુનિલ પારેખને રૂ.૧ લાખ વળતર ચુકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

અમદાવાદઃ ગ્રાહક કોર્ટે અમદાવાદના એક આંખના નિષ્ણાંત ડોક્ટર તેની બેદરકારીના કારણે દર્દીને 1 લાખ રૂપિયા વળતર ચૂકવવા માટે આદેશ આપ્યો છે. ડોક્ટર પર આરોપ હતો કે તે દર્દીની આંખમાં ઈન્જેક્શન મારતા સમયે પણ તેની બાજુમાં ઊભેલા એનેસ્થેટિસ્ટ સાથે વાતો કરી રહ્યો હતો. ઈન્જેક્શનની સોય જરૂર કરતા વધારે અંદર જવા પર આંખમાંથી લોહી નીકળી શકે છે અને થોડા સમયનું દ્રષ્ટિ પણ ગુમ થઈ શકે છે. અમદાવાદ જિલ્લા ગ્રાહક કોર્ટ દ્વારા ડોક્ટરને ફરજપરની બેદરકારી અને ભૂલના કારણે દર્દીને વળતર તથા અન્ય વધારાનો ખર્ચ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નિર્ણય નગરના રહીશ નરેશ ચાવડાની ડિસેમ્બર 2015 અને જાન્યુઆરી 2016માં ડો. સુનિલ પારેખ દ્વારા જમણી આંખમાં ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. આંખ એક્સપર્ટ દ્વારા જ્યારે તેને બીજું એવસ્ટીન ઈન્જેક્શન આપી રહ્યા હતા, ત્યારે નરેશે આંખમાં સખત દુખાવા અને દેખાતું ન હોવાની ફરિયાદ કરી. નરેશે બાદમાં જણાવ્યું કે તેણે અન્ય ડોક્ટરની ટ્રિટમેન્ટ લીધી અને ડો. પરીખે તેને એવસ્ટીન ઈન્જેક્શન આપ્યું હતું, જે રાજ્ય સરકાર દ્વારા પ્રતિંબંધિત કરવામાં આવ્યું છે.

AMC સંચાલિત નગરી હોસ્પિટલમાં 15 જેટલા દર્દીઓએ આંખની દ્રષ્ટિ ગુમાવ્યા બાદ સરકારે આ દવા પર પ્રતિબંધ મૂક્યો હતો. નરેશે ગ્રાહક કોર્ટને જણાવ્યું હતું કે ડોક્ટર ઈન્જેક્શન આપતા સમયે ઓપરેશન થિયેટરમાં ઉપસ્થિત એનેસ્થેટિસ્ટ સાથે વાતો કરવામાં લાગી ગયા હતા. જે તેની બેદરકારી છે. એવસ્ટિન ઈન્જેક્શનના કારણે તેને ખૂબ દુખાવો શરૂ થઈ ગયો અને તેની બીજી આંખની દ્રષ્ટિ પણ જતી રહી.

ડોક્ટરે પોતાના બચાવમાં કહ્યું કે એવસ્ટિન ઈન્જેક્શનના કારણે નરેશને કોઈ નુકશાન નથી થયું, ઈન્જેક્શન નસ સુધી પહોંચતા લોહી નીકળવાના કારણે આમ થયું છે, જેની સારવાર કરાઈ છે. ડોક્ટરે કહ્યું કે ચાવડાને પહેલાથી મોતિયો હતો. ગ્રાહક કોર્ટે આ સાંભળ્યા બાદ જણાવ્યું કે ડોક્ટરે પણ માન્યું છે કે ઈન્જેક્શનની સોય વધારે અંદર જવાના કારણે લોહી નીકળ્યું હતું. આ કેસમાં સંપૂર્ણ રીતે ડોક્ટરની બેદરકારી અને ભૂલ જણાઈ આવે છે. આથી ડોક્ટરને 8 ટકા વ્યાજ સાથે 1 લાખ રૂપિયા ચૂકવવા તથા કોર્ટ કેસના 5000 રૂપિયા ચૂકવવા માટે આદેશ આપવામાં આવે છે.

(4:37 pm IST)