Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

પ્રથમ તબક્કાને લઇને આંકડાકીય ગણતરીઃ મૂલ્યાંકન આંક શું કહે છે....

અમદાવાદ,તા.૧

ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસનું રસપ્રદ વિશ્લેષણ

   કુલ ૯૨૩ ઉમેદવારોમાંથી ૧૩૭ એટલે કે, ૧૫ ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસો દાખલ થયેલા છે. જેમાંથી ૭૮ ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ બોલે છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના એક ઉમેદવાર મહેશ છોટુભાઇ વસાવા(ડેડિયાપાડા વિધાનસભા) સામે આઇપીસીની કલમ-૩૦૨ હેઠળ મર્ડરનો ગુનો નોંધાયેલો છે. આઠ ઉમેદવારો સામે ખૂનની કોશિશ અંગે આઇપીસી કલમ-૩૦૭ હેઠળ ગુનો નોંધાયેલો છે. તો, બે ઉમેદવારો સામે મહિલાઓ પર બળાત્કાર અંગેના આઇપીસીની કલમ-૩૭૬ હેઠળ કેસ નોંધાયા છે, જયારે એક ઉમેદવારની સામે મહિલાઓની ગરિમાને નુકસાન અને અપમાન કરવાનો કેસ નોંધાયેલો છે. ત્રણ ઉમેદવારો સામે આઇપીસીની કલમ-૩૬૫ મુજબના અપહરણ અને ખોટી રીતે ગોંધી રાખવાનો ગુનો દાખલ થયો છે.

પક્ષ પ્રમાણે ફોજદારી કેસોનું વિશ્લેષણ

વિશ્લેષણ કરાયેલા ઉમેદવારોના સોંગદનામામાંથી ભાજપ પક્ષના કુલ ૮૯ ઉમેદવારોમાથી ૨૨ ઉમેદવારો એટલે કે, ૨૫ ટકા સામે ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ૧૦ ઉમેદવારો એટલે કે, ૧૧ ટકા સામે ગંભીર ગુનાઓ નોંધાયા છે. આ જ પ્રકારે કોંગ્રેસના ૮૬ ઉમેદવારોમાંથી ૩૧ એટલે કે, ૩૬ ટકા સામે ગુનાઓ નોંધાયેલા છે. તેમાથી ૨૦ ઉમેદવારો એટલે કે, ૨૩ ટકા સામે ગંભીર ગુનાઓ છે. તો, અપક્ષ ૪૧૬ ઉમેદવારોમાંથી ૩૪ ઉમેદવારો એટલે કે, આઠ ટકા લોકો સામે ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી ૧૫ ઉમેદવારો એટલે કે, ચાર ટકા સામે ગંભીર ગુનાઓ દાખલ છે.

રેડ એલર્ટ મતવિસ્તારોની રસપ્રદ હકીકત

   પ્રથમ તબક્કાના કુલ ૮૯ વિધાનસભા મતવિસ્તારો પૈકી ૨૧ એટલે કે, ૨૪ ટકા વિધાનસભા મતક્ષેત્રો રેડ એલર્ડ મતવિસ્તારો છે કે, જેમાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારોની સામે ફોજદારી ગુનાઓ દાખલ થયેલા છે. રેડ એલર્ડ મતવિસ્તારો અને બેઠકો અને તેની પરના ગુનાહિત રેકર્ડ ધરાવતા ઉમેદવારોની વાત કરીએ તો, ઉત્તર જામનગર બેઠક પર ગુનાહિત રેકર્ડ ધરાવતા સાત ઉમેદવારો, વાંકાનેર પાંચ, પશ્ચિમ ભાવનગર ચાર, માંડવી, જૂનાગઢ, ગોંડલ, માણાવદર, વિસાવદર, ભુજ, ધોરાજી, અબડાસા, લાઠી, ડેડિયાપાડા, દ્વારકા, જામનગર દ્વારકા, જસદણ, અંજાર, રાજુલા, દક્ષિણ જામનગર, સોમનાથ અને પાલિતાણા એ તમામ બેઠક પર ત્રણ-ત્રણ ઉમેદવારો ગુનાહિત રેકર્ડ ધરાવતા ઉભા રહ્યા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ સહિતના લગભગ તમામ પક્ષના ઉમેદવારનો સમાવેશ થઇ જાય છે.

સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો ભાજપના

પ્રથમ તબક્કાના વિશ્લેષણમાં કુલ ૯૨૩ ઉમેદવારોમાંથી ૧૯૮ ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો ભાજપના છે. ભાજપના કુલ ૮૯ ઉમેદવારો પૈકીના ૭૬ એટલે કે, ૮૫ ટકા ઉમેદવારોએ, કોંગ્રેસના ૮૬ પૈકીના ૬૦ ઉમેદવારો એટલે કે, ૭૦ ટકાએ, એનસીપીના ૨૮માંથી સાત ઉમેદવારોએ, આપના ૧૯માંથી છ ઉમેદવારોએ, બસપાના ૬૦માંથી ૨ ઉમેદવારોએ અને અપક્ષ ૪૧૬ ઉમેદવારોમાંથી ૨૫ ઉમેદવારોએ એક કરોડથી વધુની મિલ્કત જાહેર કરી છે. પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત રૂ.૨.૧૬ કરોડ છે. તો, પોરબંદર બેઠકના અપક્ષ ઉમેદવાર પ્રકાશભાઇ ઉનડકટ અને સોમનાથ બેઠકના અપક્ષ ઉમેદવાર રફીકહુસૈન ચૌહાણે તેમની મિલ્કત ઝીરો હોવાનું સોંગદનામાંમાં દર્શાવ્યું છે, જે નોંધનીય બની રહ્યું છે.

૯૨૩માંથી ૫૮૦ ઉમેદવારો ધો-૫થી ૧૨ સુધી ભણેલા

ગુજરાત ઇલેકશન વોચ અને એડીઆર દ્વારા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતના કરાયેલા રસપ્રદ વિશ્લેષણમાં પણ ઘણી ચોંકાવાનારી માહિતી સામે આવી હતી.  જે મુજબ, કુલ ૯૨૩ ઉમેદવારો પૈકી ૫૮૦ ઉમેદવારો એટલે કે, ૬૩ ટકા ઉમેદવારો ધોરણ-૫થી ૧૨ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવે છે. ૨૧૭ ઉમેદવારો એટલે કે, ૨૩.૫ ટકા લોકો ગ્રેજયુએટ કે તેથી વધુની શૈક્ષણિક લાયકાત ધરાવે છે. ૭૬ ઉમેદવારો તો માત્ર અક્ષરજ્ઞાન ધરાવે છે. જયારે ૧૭ ટકા ઉમેદવારો એટલે કે, બે ટકા લોકો નિરક્ષર છે છતાં ચૂંટણીમાં ઉભા રહ્યા છે.

પ્રથમ તબક્કાના ચૂંટણી જંગમાં ૫૭ મહિલા ઉમેદવારો

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ ૯૨૩ ઉમેદવારોમાંથી માત્ર ૫૭ એટલે કે, માત્ર છ ટકા મહિલા ઉમેદવારો લડી રહી છે. ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોની મહિલા સશિકિતકરણ અને મહિલાઓને સમાનતા અને ૩૩ ટકા અનામતની વાતો ઠગારી નીવડી છે. કુલ વિશ્લેષણ કરાયેલ ૯૨૩ ઉમેદવારો પકીના ૩૬૭ એટલે કે, ૪૦ ટકા ઉમેદવારો ૨૫થી ૪૦ વર્ષની વચ્ચેની ઉમંર ધરાવતા છે, જયારે ૪૭૩ ઉમેદવારો એટલે કે, ૫૧ ટકા લોકો ૪૧થી ૬૦ વર્ષની વચ્ચેની વયના છે. તો, ૮૨ ઉમેદવારો એટલે કે, ૯ ટકા લોકો ૬૧થી ૮૦ વર્ષની વચ્ચેની વય ધરાવતા છે.     

 

 

(10:11 pm IST)