Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

બિમલ શાહ, કમા રાઠોડ સહિત ૨૪ને સસ્પેન્ડ કરવામા આવ્યા

પક્ષના ઉમેદવાર સામે બળવો કરવાની સજાઃ પૂર્વ સાંસદ કાનજી પટેલને પણ સસ્પેન્ડ કરવામા આવ્યા

અમદાવાદ, તા.૧, રાજય વિધાનસભા માટે આગામી ૯ તેમજ ૧૪ ડિસેમ્બર એમ બે તબકકામા યોજાનારી ચૂંટણીમા ભાજપ દ્વારા ઉતારવામા આવેલા સત્તાવાર ઉમેદવારની સામે બળવો કરી પક્ષના આદેશ છતાં ઉમેદવારી પાછી ન ખેંચવાવાળા ૨૪ જેટલા પક્ષના કાર્યકરોને આજે પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. જે લોકોને પક્ષમાંથી પાણીચુ આપવામા આવ્યુ છે તેમાં પૂર્વ સાંસદ કાનજી પટેલ,પ્રદેશ કારોબારી સભ્ય ખુમાનસિંહ વાંસીયા અને પૂર્વ વાહનવ્યવહાર મંત્રી બિમલ શાહનો પણ સામવેશ થાય છે.આ અંગે ભાજપ મીડીયા સેલની એક યાદીમા જણાવ્યા મુજબ,પક્ષ તરફથી આપવામા આવેલા આદેશ પછી પણ પ્રથમ અને બીજા તબકકાના સત્તાવાર ઉમેદવારોની સામે ઉમેદવારી પાછીન ખેંચનારા પક્ષના કાર્યકરો દ્વારા અપક્ષ ઉમેદવારી ચાલુ રાખી છે.

આ ઉપરાંત જામનગર ગ્રામ્યમાંથી વલ્લભભાઈ ધારવીયા દ્વારા કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવામા આવી છે આ ઉપરાંત ઝાલોદ બેઠક માટે ભાવેશ કટારા દ્વારા પણ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવામા આવી છે.જ્યારે ગાંધીનગર ઉત્તરમાંથી રોહીત નાથાણી દ્વારા એનસીપી તરફથી ઉમેદવારી નોંધાવવામા આવી છે.આ ઉપરાંત આ સસ્પેન્શનમાં પૂર્વ સાંસદ કાનજીભાઈ પટેલ કે જેમણે ચીખલી બેઠક ઉપરથી ઉમેદવારી કરવામા આવી હતી, ખુમાનસિંહ વાંસીયા દ્વારા જંબુસર બેઠક પરથી પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવો કરીને ઉમેદવારી ચાલુ રાખવામા આવી હતી જ્યારે રાજયના પૂર્વ વાહનવ્યવહાર મંત્રી બિમલ શાહ દ્વારા કપડવંજ બેઠક ઉપરથી ઉમેદવારી ચાલુ રાખવામા આવતા પક્ષ દ્વારા આ તમામને પક્ષની અવગણના કરી ઉમેદવારી ચાલુ રાખવામા આવતા આજરોજ લેવામા આવેલા મહત્વપૂર્ણ નિર્ણયમા તમામને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામા આવ્યા છે.

 

(10:07 pm IST)