Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

રાષ્ટ્રની સુરક્ષા મુદ્દે કોઇપણ સંજોગોમાં રમત ના હોઇ શકે

રાફેલ હવાઇ જહાજ ડીલમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ : રાફેલ ડીલની અગાઉનો કોન્ટ્રાકટ રદ કરી શા માટે ખાનગી કંપનીને કોન્ટ્રાકટ આપી ઉંચા ભાવે જહાજ ખરીદવાનો કારસો રચાયો, મોદીજી જવાબ આપે

અમદાવાદ,તા.૧ : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રણદીપ સૂરજેવાલાએ અમદાવાદમાં આજે ફરી એકવાર મોદી સરકાર પર રાફેલ ડીલના મામલે જોરદાર આકરા પ્રહારો કર્યા હતા અને રાફેલ હવાઇજહાજ ડીલમાં હજારો કરોડના ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના સ્પષ્ટ વકતા નેતા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, રાફેલ ડીલના કોન્ટ્રાકટ બદલવાનું કૃત્ય ઘણું ગંભીર અને રાષ્ટ્રની સુરક્ષાના મુદ્દે મજાક સમાન છે. રાષ્ટ્રની સુરક્ષાના મુદ્દે કોઇપણ સંજોગોમાં રમત ના હોઇ શકે. સૂરજેવાલાએ રાફેલ ડીલની અગાઉનો કોન્ટ્રાકટ રદ કરી શા માટે ખાનગી કંપનીને પાછળથી કોન્ટ્રાકટ આપી ઉંચા ભાવે જહાજ ખરીદવાનો મોદીજીએ કારસો રચ્યો અને તેમના ઉદ્યોગપતિ મિત્રને ફાયદો કરાવવાની ગોઠવણ કરી તે મુદ્દે મોદીજી જવાબ આપે. કોંગ્રેસના સિનિયર નેતા રણદીપ સૂરજેવાલાએ રાફેલ ડીલ મુદ્દે આજે મોદી સરકારને ઘેરી હતી અને ચાબખા વરસાવતાં જણાવ્યું હતું કે, અગાઉ ડિસેમ્બર-૨૦૧૨માં રાફેલ ડીલ અનુસંધાનમાં કોંગ્રેસ દ્વારા ૧૨૬ હવાઇ જહાજ ૧૦.૨ બીલીયન ડોલર એટલે કે, રૂ.૫૪ હજાર કરોડના ખર્ચે ખરીદવાનું નક્કી થયું હતું. આ માટે પ્રથમ તબક્કામાં ૧૮ રાફેલ લડાકુ વિમાન મિસાઇલ, શસ્ત્રો સાથે ફ્રાન્સથી આવવાના હતા અને બાકીના ૧૦૮ હવાઇજહાજ હિન્દુસ્તાન એરોનેટીક્કસ લિ. ટેકનોલોજી અને લાયસન્સ કરારના આધારે અહીં ભારતમાં નિર્માણ કરશે, તેવું નક્કી થયું હતું. કંપની ૫૦ ટકા રોકાણ ભારતમાં પણ કરશે તેવી પણ શરત રખાઇ હતી, કે જેથી ભારતમાં રોજગારી પેદા થઇ શકે. માર્ચ-૨૦૧૪માં હિન્દુસ્તાન એરોનોટિકસ લિ. અને રાફેલ બનાવવાવાળી કંપની ડૈસોલ્ટ એવીએશન વચ્ચે આ અંગેના કરાર પણ થયા પરંતુ ૨૦૧૪માં મે મહિનામાં કેન્દ્રમાં સરકાર બદલાઇ અને મોદીજી સત્તામાં આવ્યા. એપ્રિલ-૨૦૧૫માં મોદીજી ફ્રાંસ જાય છે અને અચાનક જ ત્યાં ભારત સરકારના કેબીનેટ કે સુરક્ષાની મંજૂરી વિના બારોબાર જ અગાઉની ડીલ કેન્સલ કરી ૩૬ લડાકુ જહાજ ખરીદવાની જાહેરાત કરી. તા.૨૩-૯-૨૦૧૬ના રોજ જૂના કરાર રદ કરી ૩૬ રાફેલ જહાજ ખરીદવાનો નવો કોન્ટ્રાકટ મોદીજીના મિત્ર ઉદ્યોગપતિને અપાયો અને તે પણ ૮.૭ બીલીયન ડોલર એટલે કે, રૂ.૫૯ હજાર કરોડની કિમંતે ખરીદવાનો. સૂરજેવાલાએ એ વાત પરત્વે ધ્યાન દોર્યું કે, કોંગ્રેસના શાસન વખતના કરાર મુજબ, ૧૨૬ રાફેલ હવાઇ જહાજ રૂ.૫૪ હજાર કરોડના ખર્ચે ખરીદવાનું નક્કી થયું હતુ, જયારે મોદીજીના કરાર મુજબ, માત્ર ૩૬ રાફેલ જહાજ રૂ.૫૯ હજાર કરોડના ખર્ચે ખરીદવાનું નક્કી થયું. આટલી ઉંચી કિંમતે અને મોંઘા ભાવથી શા માટે જહાજની ખરીદી? ભારતીય વાયુસેનામાં હવાઇ જહાજની ખરીદીનો મામલો એ રાષ્ટ્રની સુરક્ષાનો સવાલ છે અને તેમાં આ પ્રકારની રમત ના હોઇ શકે. રાફેલ ડીલમાં હજારો કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવી સૂરજેવાલાએ આ સમગ્ર મામલે મોદીજીની સ્પષ્ટતા માંગી હતી.

 

(8:45 pm IST)