Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

પાટીદાર અનામત મુદ્દે ભાજપે ડીલ કર્યુ નથી તે દુઃખદ : ત્યાગી

જનતાદળ(યુ)ના કેસી ત્યાગી ગુજરાત મુલાકાતે : પાટીદાર, મરાઠા, આંધ્ર, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના જાટ સહિતના લોકો માટે કેન્દ્ર અનામત મુદ્દે આયોગ બનાવે

અમદાવાદ, તા.૧ : ગુજરાતમાં પાટીદારોના અનામત મુદ્દે શાસક પક્ષ ભાજપે બરોબર ડીલ કર્યું નથી. આંદોલનમાંથી જન્મેલી પાર્ટી ભાજપે આંદોલનકારી પાટીદારોના મામલાને ગંભીરતાથી અને સારી રીતે ડીલ કરવા જેવું હતું. પાટીદાર મરાઠા, તેલંગાણઆ, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ સહિતના જાટ સહિતના લોકો માટે કેન્દ્ર સરકાર અનામત મુદ્દે એક આયોગની રચના કરવી જોઇએ અને આ જ્ઞાતિઓને ૪૯.૫૦ ટકાથી વધુ અનામત કેવી રીતે આપી શકાય તે દિશામાં વિચારવિમર્શ અથવા તો સંશોધન કરવું જોઇએ એમ અત્રે જનતાદળ(યુનાઇટેડ)ના રાષ્ટ્રીય પ્રવકતા કે.સી.ત્યાગીએ જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાત મુલાકાતે આવેલા જનતાદળ(યુ)ના વરિષ્ઠ નેતા અને પ્રધાન મહાસચિવ ત્યાગીએ ખાનગી ક્ષેત્રમાં પણ અનામતની હિમાયત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે જનતાદળ(યુ)ના ૩૮થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હોવાની અને તેઓ ચૂંટણીમાં સારો દેખાવ કરશે તેવી આશા વ્યકત કરતાં જનતાદળ(યુ)ના રાષ્ટ્રીય નેતા કે.સી.ત્યાગીએ વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી ક્ષેત્રમાં અનામતનો મુદ્દો અને આયોગની રચનાનો મામલો જનતાદળ(યુ) સંસદમાં પણ ઉઠાવશે. તેમણે પાટીદારો પર અત્યાચાર, દલિતો પર અત્યાચાર, ગૌરક્ષકો દ્વારા ગૌરક્ષાના નામે થતી હિંસાના મુદ્દે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આવી ઘટનાઓથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની છબી ખરડાઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્રમાં હવે એનડીએ સરકારના એક કે દોઢ વર્ષ બાકી છે ત્યારે બીજા બધા મુદ્દાઓ મોદી સરકાર અને નાણાંમંત્રીએ બાજુ પર મૂકીને હવે માત્ર કૃષિ વિકાસ દર પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. કારણ કે, તાજેતરમાં જ ખુદ નાણાંમંત્રીએ સ્વીકાર્યુ છે કે, કૃષિ વિકાસ દર ૪.૭થી ઘટીને ૧.૭ ટકા થઇ ગયો છે અને તેથી મોદી સરકારે આ વિષયને ગંભીરતાથી લેવો જોઇએ. પાકોના ટેકાના ભાવ ખેડૂતોને યોગ્ય રીતે મળે તે માટે મોદી સરકારે કાયદો બનાવવો જોઇએ. ખેડૂતોની અને કૃષિની આવક કેવી રીતે વધે અને નાના તેમ જ મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સુરક્ષા વિશે હવે કેન્દ્ર સરકારે વિનાવિલંબે પગલા લેવાની જરૂર છે. આ પ્રસંગે જનતાદળ(યુ)ના રાષ્ટ્રીય મહામંત્રી અખિલેશ કટિયાર, ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંતિભાઇ પટેલ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.

 

(8:42 pm IST)