Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

વડાલા પાટિયા નજીક જેસીબીની ટક્કરે કારમાં સવાર બે શખ્સોને ગંભીર ઇજા

ખેડા:નેશનલ હાઈવે નં. ૮ ઉપર આવેલા વડાલા પાટીયા નજીક જેસીબીએ કારને ટક્કર મારતા બે જણાંને ઈજા થઈ હતી. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકાના વડાલામાં રહેતા દર્શનાબા પરમાર ગઈકાલે રાત્રે કાર નં. જીજે-૦૧ આરએમ-૯૨૦૦ માં બે બાળકોને લઈ નેશનલ હાઈવે નં. ૮ ઉપરથી જઈ રહ્યાં હતા. ત્યારે કોઈ અજાણ્યો જેસીબીનો ચાલક પૂર ઝડપે હંકારી કારને ટક્કર મારી જેસીબી લઈને નાસી ગયો હતો.

અકસ્માત સર્જાતા કારમાં બેઠેલા જાનવી (ઉં.વ.૧૧) ની જમણી આંખની ઉપર કપાળમાં તથા ડાબા પગે જ્યારે મોર્યવિર (ઉં.વ.૪) ને જમણી આંખ ઉપર ઈજા થઈ હતી. તેમજ કારને નુકસાન થયું હતું. આ બનાવ અંગે કુલદીપસિંહ રણુભા પરમારે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:55 pm IST)