Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ફકત દોઢ કલાક પહેલા જ નિવૃતીનો હુકમ મળતા, ગીથા જૌહરી વિદાય પાર્ટી વગર ચાલી નિકળેલા

કોને ચાર્જ આપવો તેની હુકમમાં સ્પષ્ટતા ન હોવાથી પરંપરાગત રીતે મોહન ઝાને, ઇન્ચાર્જ ડીજીએ ચાર્જ સુપ્રત કરી દીધેલ : નવી સરકાર માટે પસંદગીનો માર્ગ ખુલ્લો રાખવાની નીતીઃ ચુંટણી સુધી ઇન્ચાર્જ પ્રથા રાખવાની ભીતરમાં

રાજકોટ, તા., ૧: ૩પ વર્ષ સુધી રાજય પોલીસ તંત્રમાં વિવિધ સ્થાનો પર ફરજ બજાવી રાજયના પ્રથમ મહિલા આઇપીએસ તથા પ્રથમ ઇન્ચાર્જ મહિલા ડીજીપી તરીકે ફરજ બજાવનાર ગીથા જૌહરી એક્ષ્ટેન્શન ઓર્ડર કે 'રીટાયર્ડ ઓર્ડર' ની અવઢવ સાથે અંતે નિવૃત થયા છે.

નવાઇની વાત એ છે કે તેઓને નિવૃત કરવામાં આવશે કે ત્રણ માસનુ એક્ષ્ટેન્શન આવશે? તેની અવઢવમાં આઇપીએસ ઓફીસરો દ્વારા તેઓને તેમની નિવૃતી બાદની વિદાયમાન પાર્ટી પણ આપી શકાઇ ન હતી.

એમ કહેવાય છે કે ૧૯૮ર બેચના આ પ્રથમ મહિલા આઇપીએસને નિવૃતીનાં ફકત  દોઢ કલાક અગાઉ જ તેઓને નિવૃત કરવામાં આવે છે તેવો હુકમ આપવામાં આવેલ.  નિવૃતીના હુકમ સાથે સામાન્ય રીતે નિવૃત થનાર અધિકારીએ કોને ચાર્જ સોંપવો તેવો ઉલ્લેખ હોય છે. પરંતુ આ હુકમમાં આવો કોઇ ઉલ્લેખ ન હતો.

આઇપીએસ વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ગૃહ ખાતા દ્વારા ચુંટણી પંચની ૩ નામોની પેનલ મોકલાયેલ.  ચુંટણી પંચે એ પેનલમાં સુચવેલ નામ અંગે પુરક વિગતો રાજય સરકાર પાસે માંગી હતી. પરીણામે કોઇનો હુકમ ઇન્ચાર્જ ડીજી તરીકે ન થતા ગીથા જૌહરી પાસે ફકત એક જ વિકલ્પ બચ્યો હતો અને આ વિકલ્પ એટલે પોલીસ ભવનમાં તેમના સહયોગની સિનીયર મોસ્ટ અને અનુભવી એવા રાજયના એડમન વડા મોહન ઝાને ચાર્જ સુપ્રત કરી નિવૃત થવું.

સામાન્ય રીતે આવા સંજોગોમાં દરેક સ્ટેટમાં સિનીયર મોસ્ટ એવા એડીશ્નલ ડીજીપી કક્ષાના એડમીનીસ્ટેટીવ વડાને આવા સંજોગોમાં ચાર્જ સુપ્રત કરવાની પ્રથા હોય છે. આ નિયમ મુજબ જ મોહન ઝાને લુક આફટર ચાર્જ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ગૃહ ખાતાના આદેશ મુજબ આપવામાં આવ્યો છે. આ બાબતની તમામ સંબંધકર્તાઓને જાણ કરતો હુકમ સ્ટેટ કંટ્રોલ દ્વારા કરવામાં આવ્યો છે.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સિનીયર મોસ્ટ આઇપીએસ સંભવતઃ પ્રમોદકુમારને ચુંટણી સુધી ઇન્ચાર્જ બનાવી તેઓ ફેબ્રુઆરીમાં નિવૃત થાય ત્યારે રેગ્યુલર ડીજીપી નીમી શકાય તેવો હેતુ હોવાનું કહેવાય છે. બીજા અર્થમાં કહીએ તો ચુંટણી પછી જે કંઇ સરકાર રચાય તેમને તેમની સાથે સંકલન જાળવી શકે તેવા અધિકારી નિમવાની તક મળે તેવો હેતુ છે.

પ્રમોદકુમાર બાદ ૧૯૮૩ બેચના શિવાનંદ ઝાને માર્ચ માસમાં રેગ્યુલર ડીજીપી નિમાશે તેવી સંભાવના અનુભવીઓ નિહાળી રહયા છે.  શિવાનંદ ઝા પણ ખુબ જ અનુભવી અધિકારી છે.  દિલ્હી દરબારના તેવો વિશ્વાસું છે. હાલમાં તેઓ પાસે ઇલેકશન લગત મહત્વની કામગીરી હોય તેઓને પ્રમોદકુમાર નિવૃત થયે જ નિમણુંક થાય તેવું માનવામાં આવે છે. સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ રેગ્યુલર ડીજીપી નિમવામાં આવે ત્યારે સબંધક અધિકારીને બે વર્ષ નિવૃતીના બાકી હોવા જોઇએ. આ બાબતમાં શિવાનંદ ઝા પણ ફીટ બેસે છે.

(4:30 pm IST)