Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

કોંગ્રેસ કેન્દ્રીય આગેવાનો પ્રચારાર્થે ગુજરાતમાં

પંજાબના અમરીન્દ્રસિંગ, મહારાષ્ટ્ર, હરીયાણા, ઉત્તરાખંડના પૂર્વ સી.એમ. સહિત : રાહુલ ફરી ૫ થી ૭ ડિસેમ્બરે ગુજરાતમાં: ૭મીએ મનમોહનસિંઘ રાજકોટમાં

રાજકોટ તા. ૧ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચુંટણી માટે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીઓ આજથી ગુજરાતના પ્રવાસે આવશે. રાહુલ ગાંધી ફરી ૫ થી ૭ ડિસેમ્બરે ગુજરાત આવશે તથા દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ ૭મીએ રાજકોટ સહિત ગુજરાતની મુલાકાતે આવશે.

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંઘ હુડ્ડા આજે ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. તો બીજી તરફ ફિલ્મી અભિનેતા રાજ બબ્બર સુરતની મુલાકાત લેશે. રાજ બબ્બર સુરતમાં બે ચુંટણી સભાઓ ગજવશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા વડોદરાની મુલાકાત લેશે. બીજી ડિસેમ્બરે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંગ અમદાવાદની મુલાકાતે આવશે. આ જ દિવસે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત પણ ચુંટણી પ્રચાર કરવા આવશે. રાજકીય હસ્તીઓની આવન-જાવનનો દોર ચાલુ રહેવાનો છે. ત્રીજી ડિસેમ્બરના મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અમદાવાદ અને રાજકોટમાં ચૂંટણી પ્રચાર કરશે. પૂર્વ મંત્રી જતીન પ્રસાદ સુરત અને વડોદરામાં પ્રવાસ ખેડશે. ૫મી ડિસેમ્બરે મનીષ તિવારી અમદાવાદ અને વડોદરા આવશે, ૬ ડિસેમ્બરે મિલિંદ દેવરા આવશે. આ જ દિવસે અજય માંકડ સુરત અને વડોદરામાં પ્રચાર પ્રસાર કરવાના છે.

૭મીએ પૂર્વ મંત્રી આરપીએન સિંઘ અમદાવાદ અને વડોદરાની મુલાકાત લઇ ચૂંટણી પ્રચાર કરવાના છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની મુલાકાતનો પણ તખ્તો ગોઠવાઇ રહ્યો છે. તેઓ બીજીએ વડોદરા અને સુરતની મુલાકાત લઇ શકે છે. રાહુલ ગાંધી હવે ૫થી ૭મી ડિસેમ્બરે ફરી ગુજરાતની મુલાકાત લે તેવી શકયતા છે.

(8:01 pm IST)