Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડો ફરીથી ધમધમ્યા ; ખરીદીની શરૂઆત

ખેડૂતોની પલળેલી મગફળી ખરીદવાનો નિર્ણય : રાજકોટમાં પ્રથમ દિવસે જ ૫૦ હજારથી વધુ મગફળીની ગુણીની આવક : પોરબંદર માકેર્ટ યાર્ડમાં ખેડૂતો ન પહોંચ્યા

અમદાવાદ, તા.૧ : આજે લાભપાંચમે દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ તમામ બજારો, વેપાર-ધંધા શરૂ થયા છે ત્યારે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડો લાભપાચમના શુભમુહુર્તથી ધમધમવા લાગ્યા છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે ઓપનીંગમાં જ પ્રથમ દિવસે ૫૦ હજારથી વધુ મગફળીની ગુણીની આવક થતાં મગફળીની ખરીદી બંધ કરવામાં આવી હતી. જયારે બીજીબાજુ, પોરબંદર માર્કેટીંગ યાર્ડમાં એક પણ ખેડૂતે દેખા જ દીધી ન હતી કારણ કે, પાકની નુકસાનીને લઇ ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી હતી. સરકારી તંત્રના અધિકારીઓ ખેડૂતોને ફોન કરી સંપર્ક કરી મગફળી ખરીદી માટે આગળ આવવા પ્રોત્સાહિત કરતા જણાયા હતા. બીજીબાજુ, રાજય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ખેડૂતોની પલળેલી મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે અને મહત્તમ આઠ ટકા સુધી પલળેલી મગફળી સરકાર ખરીદશે અને ખેડૂતોને પાક નુકસાનીમાં ટેકો જાહેર કરશે.

           રાજય સરકાર દ્વારા ખેડૂતોની પલળેલી મગફળી ખરીદવા માટે પાંચ દિવસનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. જે મુજબ, તા.૧૮થી ૨૨ નવેમ્બર દરમ્યાન આ પલળેલી મગફળીની ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ખેડૂતોને આ પાક નુકસાનીના મારમાં સરકાર દ્વારા ટેકો આપવાનો પ્રયાસ કરાશે અને તેમને આર્થિક મદદ કરાશે. દરમ્યાન લાભ પાંચના આજના શુભદિને સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડ ફરી એકવાર ધમધમતા બન્યા હતા. સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટીંગ યાર્ડમાં લાભપાચમ પૂર્વે જ કપાસ-મગફળી ઉપરાંત વિવિધ જણસોની આવક થવા લાગી હતી. ખેડુતોએ ગઈકાલે જ પોતાનો નવો માલ યાર્ડમાં ઠાલવી દીધો હતો. લાભ પાંચમે ટેકાના ભાવે પણ મગફળીની ખરીદીના શ્રી ગણેશ થયા છે. રૂ. ૧૦૧૮ના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ હતી. આ માટે તાલુકા દીઠ ૨૫ ખેડુતોને બોલાવવામાં આવ્યા હતા. રાજયના ૧૪૫ કેન્દ્રો પરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે. માર્કેટીંગ યાર્ડમાં આવેલ કપાસ-મગફળીની ખરીદી પર કમોસમી વરસાદની અસર જોવા મળી છે. નવો માલ ભરેલા વાહનોમાં જ તોલ કરી હરાજી કરવામાં આવી રહી છે અને ખેડુતોને નાણા ચૂકવવાની તજવીજ હાથ ધરાઇ છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં જ આજે પ્રથમ દિવસે ૫૦ હજારથી વધુ મગફળીની ગુણીની આવક થવા પામી હતી. સારી ગુણવતાવાળી મગફળીના રૂ. ૧૩૦૦ થી ૧૪૦૦ ના ભાવે તો પલળેલી મગફળી રૂ. ૬૦૦ થી ૭૫૦ના ભાવે ખરીદાઈ હતી.

           સારી ગુણવતાવાળી મગફળીની ખરીદી સાઉથના વેપારીઓ કરી રહ્યા છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં એક મણના સરેરાશ ભાવ રૂ ૮૫૦ થી લઈ રૂ.૧૪૦૦ સુધી ખેડુતોને મળી રહ્યા છે. ટેકાના ભાવે મગફળી વેચવા રાજકોટ જિલ્લામાં ૮૨૦૦૦ ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમની પાસેથી ૧૧ કેન્દ્રો પરથી ખરીદી થઈ રહી છે. દરેક કેન્દ્ર પર સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે. ત્યારે પ્રારંભીક તબકકે કેન્દ્ર દીઠ ૨૫ ખેડુતોને બોલાવાયા હતા. ખેડુત દીઠ રૂ.૨૫૦૦ કિલોની મર્યાદામાં મગફળીની ખરીદી થશે. જો કે, બીજીબાજુ, પોરબંદર માર્કેટીંગ યાર્ડમાં નિરાશાજનક દ્રશ્યો સામે આવ્યા હતા. એક પણ ખેડૂત મગફળી વેચવા નહી આવતાં તંત્રના અધિકારીઓ ભારે ચિંતામાં મૂકાયા હતા અને તેથી તેઓએ ખેડૂતોને ફોન પર કે મેસેજ થ્રુ સંપર્ક કરી ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયામાં આગળ આવવા પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કર્યા હતા.

(9:25 pm IST)