Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

પાક નુકસાનીના સંદર્ભે ખેડૂતો ત્રીજી સુધી ફરિયાદ કરી શકશે

સર્વે બાદ ૩૦ નવેમ્બર સુધીમાં વળતર : પાક નુકસાની અંગે ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ ન નોંધાતી હોવાની વ્યાપક ફરિયાદો બાદ મુદત વધારવા ફરજ પડી

અમદાવાદ,તા. ૧ : રાજ્યના ૧૮ જિલ્લાના ૪૪ તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસમાં એકથી પાંચ ઇંચ સુધીનો કમોસમી વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાના પાકની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોને પાક નુકસાની અંગે વળતર અને પાક વીમા ચૂકવવા અંગે વિજય રૂપાણી સરકારે ખેડૂતોની સુવિધા માટે જિલ્લા પ્રમાણે ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે પરંતુ આ ટોલ ફ્રી નંબર પર અમુક નંબરો પર તો વાત જ થઇ શકતી નથી, અથવા તો કોઇ ઉઠાવતું નહી હોવા સહિતની વ્યાપક ફરિયાદો સામે આવી હતી. જેના કારણે ખેડૂતઆલમમાં ઉગ્ર રોષ ફેલાયો હતો અને આ સમગ્ર મામલે વિવાદ વકર્યો હતો. જેને પગલે સરકારને ખેડૂતોની ફરિયાદ નોંધાવવાની સમયમર્યાદા વધારવાની ફરજ પડી છે.

                     જેથી હવે સરકારે જાહેર કરેલા ટોલ ફ્રી નંબર પર ખેડૂતો પોતાની ફરિયાદ તા.૩ નવેમ્બરે સાંજે સાડા છ વાગ્યા સુધી નોંધાવી શકશે. રાજયના કૃષિ વિભાગના અધિક મુખ્યસચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે, વીમા કંપનીના અધિકારીઓ આગામી તા.૩ થી ૧૩ નવેમ્બર સુધીમાં પાકની નુકસાનીના સરવેની કામગીરી પૂર્ણ કરશે તેમજ આગામી તા.૩૦મી નવેમ્બર સુધીમાં પાક વીમાની રકમની ચુકવણીની વ્યવસ્થા કરાશે. જે ખેડૂતો ભેજના કારણે મગફળી વેચી ન શક્યા હોય તેમના માટે ટેકાના ભાવે મગફળી આપવાની સમય મર્યાદા વધારાશે. ઉપરાંત, જો ખેડૂતોના કોલ વીમા કંપની રિસીવ ન કરે તો તેઓ જિલ્લા કક્ષાના સર્વિસ સેન્ટર પર ફરિયાદ નોંધાવી શકશે. અત્યારસુધીમાં વીમા કંપનીએ ૨૬૭૨ કોલ રિસીવ કર્યા છે.

                 કેટલીક કંપનીની રજૂઆતો હતી કે સર્વર ડાઉન હોવાના કારણે વધારે કોલ રિસવી થઈ શક્યા નથી તેવો બચાવ તેમણે રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર, રાહત કમિશ્નર તથા કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. બેઠક દરમિયાન કમોસમી વરસાદથી ખેતીને થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ કૃષિ વિભાગ તરફથી ખેડૂતોની સુવિધા માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાયા હતા.

(8:53 pm IST)