Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ખંભાત તાલુકાના ગોલાણા ગામે નજીવી બાબતે બે પરિવારો બાખડ્યા: સામસામે હુમલો કરતા 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત : પોલીસ ફરિયાદ દાખલ

ખંભાત: તાલુકાના ગોલાણા ગામે આવેલા નવા વાઘરીવાસમાં ગત ૨૯મી તારીખના રોજ બપોરના સુમારે બે પરિવારો વચ્ચે ઝઘડો થતાં ચારને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. અંગે ખંભાત રૂરલ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ રી છે.

ફરિયાદી ઓધવભાઈ ભાઈલાલભાઈ વાલ્મીકે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત ૨૯મી તારીખના રોજ બપોરના સુમારે પોતાના ઘરે હતા ત્યારે તેમના કાકા ચેહુભાઈ મનસુખભાઈ વાલ્મીકી આવી ચઢ્યા હતા અને ઓધવભાઈના દાદા મનસુખભાઈને કહેવા લાગેલા કે, તુ મારા ઘરે કેમ આવે છે તેમ જણાવીને ધક્કો મારવા લાગ્યા હતા. જેથી ભાઈલાલભાઈએ ઠપકો કરતાં ચેહુભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ભાઈલાલભાઈને ધક્કો મારી દીધો હતો. ચેહુભાઈનું ઉપરાણુ લઈને તેમના બે પુત્રો દશરથભાઈ અને ધીરૂભાઈ આવી ચઢ્યા હતા અને વચ્ચે પડનાર ઓધવભાઈ તથા તેના કાકી શાંતાબેનને ગડદાપાટુનો માર માર્યો હતો. ચેહુભાઈએ ઈંટ ઢીંચણ ઉપર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સામા પક્ષે ધીરૂભાઈ વાલ્મીકે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેમના પિતા ચેહુભાઈને ભાગમાં આવેલ મકાન આપવા બાબતે શાંતાબેન જશુભાઈ વાલ્મીક, ઓધવભાઈ ભાઈલાલભાઈ વાલ્મીક, ભાઈલાલભાઈ મનસુખભાઈ વાલ્મીક તેમજ જશુભાઈ મનસુખભાઈ વાલ્મીક દ્વારા ઝઘડો કરીને ચેહુભાઈને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ ગડદાપાટુનો માર માર્યો હતો. ભુરીબેન વચ્ચે પડતા તેમને પણ માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:43 pm IST)