Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

'મહા' વાવાઝોડાના કારણે છઠ્ઠી અને સાતમી તારીખે ગુજરાતમાં ૬૦થી ૮૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાશેઃ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાત પર ફરી વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી રહી છે. સાઈક્લોન 'મહા' વાવાઝોડા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. આ વાવાઝોડું સીવીયર સાયકલોન બની રહ્યું છે . 6 થી 7 નવેમ્બર સુધીમાં તે ગુજરાત કિનારે ટકરાઈ શકે છે.  વેરાવળ, ગીર સોમનાથ જિલ્લા, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના જીલાઓમાં વ્યાપક અસર દેખાઈ શકે છે. જો કે આ વાવાઝોડું આવનારા દિવસોમાં ઓમાન તરફ પણ ફંટાઈ શકે છે અને કદાચ તેની તિવ્રતા, દિશા, ગતિમાં ફેરફાર થઈ શકે છે.

મળતી માહિતી મુજબ 6 તારીખે સવારે પવનની ગતિ 60 થી 70 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 7 તારીખે પવનની ગતિ 70 થી 80 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે . 7 તારીખે પણ ગુજરાત ના દક્ષિણ ભાગમાં (સૌરાષ્ટ્ર) માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે આ દિવસો દરમ્યાન છૂટો છવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે. કમોસમી વરસાદ થવાથી ખેડૂતો માથે વધુ નુકસાનીના વાદળોરૂપી સંકટ તોળાઇ રહ્યું છે.

ગુજરાતમાં હજી પણ ક્યાર વાવાઝોડાની અસર દૂર થઇ નથી ત્યારે વધુ એક વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે આવતું નજરે ચડી રહ્યુ છે. અરબી સમુદ્રમાં મહા નામનું વાવાઝોડું સક્રિય થયું છે. ત્યારે આ વાવાઝોડાની અસર સુરતમાં જોવા મળી રહ્યી છે. મહા વાવાઝોડાને લઇને શહેરના આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

આગામી ચાર દિવસ હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. તો બીજી તરફ, મંગળવારે રાજ્યના 27 જિલ્લાના 46 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો. ગુજરાત પરથી 'ક્યાર' વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે, પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમા વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યના 136 તાલુકામાં માવઠું પડ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ છે. શિયાળુ પાકમાં વાવેલા મગફળી, ડાંગર અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે. માવઠાને કારણે જગતના તાતની મહેનત એળે ગઈ છે. કમોસમી વરસાદે ખેતરનો તૈયાર પાક બગાડ્યો છે. કમોસમી વરસાદને કારણે કપાસના જીંડવા પણ ખરી પડ્યા છે.

ક્યાર વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુકશાન અંગે કૃષિ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલ નુકશાન માટે વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતોને વળતર ચૂકવવાની માહિતી આપવામાં આવી છે. તેમજ કયા જિલ્લાના કયા ખેડૂતે કઈ વીમા  કંપનીના ટોલ ફ્રી નંબર પર ફોન કરવાનો તેનું લિસ્ટ જાહેર થયું છે. તેમજ કમોસમી વરસાદમાં ભોગ બનનાર ખેડૂતોએ આ નંબર પર ફરિયાદ કરીને પોતાના વિસ્તારની પોતાના થયેલા નુકસાનની ફરિયાદ કરવાની રહેશે અને વીમા કંપની તો જ માન્ય રાખશે તેવું કૃષિ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે...

અત્રે જણાવવાનું કે આ અગાઉ  ક્યાર વાવાઝોડાએ ગુજરાતને ધમરોળ્યું હતું. દિવાળીના સમયે આ વાવાઝોડું ત્રાટકતા રાજ્યના અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડ્યો હતો.

(4:46 pm IST)