Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

દિલીપભાઈનું એ ભગીરથ કાર્ય હમેશ યાદ રહેશે : સુરેશ સંઘવી

ભૂતપૂર્વ ડિસ્ટ્રીકટ ગવર્નર અને પૂર્વ મુખ્યમંત્રી લાયન દિલીપભાઈ પરીખનું તાજેતરમાં દુઃખદ અવસાન થયુ છે. તેમણે ડિસ્ટ્રીકટ ૩૨૩-બીનું ડિસ્ટ્રીકટ ચેરીટેબલ ટ્રસ્ટ બનાવ્યુ હતું. જે રાજયમાં કોઈપણ પ્રકારની આપત્તિ દરમિયાન રાહતકાર્યમાં મદદરૂપ થતુ હતું. તેમણે ગુજરાતની લાયન્સ કલબોમાં ગામડાને દત્તક લેવાનું અને ગામડાને આગળ લાવીને ત્યાંના જરૂરીયાતમંદ લોકોને મદદ આપવાનું શરૂ કર્યુ હતું અને અન્ય કલબોને તે માટે પ્રોત્સાહિત કરી હતી.

લાયન્સ કલબના પૂર્વ ડિસ્ટ્રીકટ ગવર્નર અને ગુજરાતના અગ્રીમ હરોળના આર્કિટેકટ શ્રી સુરેશભાઈ સંઘવીએ વિશેષમાં જણાવ્યુ છે કે તેઓ ૧૯૭૮-૭૯ ડિસ્ટ્રીકટ ગવર્નર હતા અને મારા પુરોગામી હતા. તેઓ વૈશ્વિક કક્ષાએ કદાચ પહેલા લાયન હતા જે મુખ્ય પ્રધાન બન્યા હતા. અમે બધા શ્રીમતી પ્રીતિબેન અને તેમના પરિવારને હૃદયપૂર્વકની સહાનુભૂતિ પાઠવીએ છીએ અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. તેમ શ્રી સુરેશભાઈએ સોશ્યલ મીડિયા ઉપર અંજલી આપતા લખ્યુ છે.

અશ્વિનભાઈનું અનેરૂ સૌમ્ય વ્યકિતત્વ હંમેશ યાદ રહેશે : સુરેશ સંઘવી

ઘણા દુઃખ સાથે જાણ કરવાની કે ઘણા સીનીયર એવા ભૂતપૂર્વ લાયન અશ્વિનભાઈ કંસારા (મોરબી)ને આ દુનિયાના રચયિતા પ્રભુએ પોતાની પાસે સ્વર્ગમાં બોલાવી લીધા છે.

સદા હસતા, નમ્ર, ધીમુ બોલતા નખશીખ સજ્જન અશ્વિનભાઈની લાયોનીસ્ટીક કેરીયર લાંબી, ઝગમગતી અને ડાઘવિહીન હતી. તેઓ ૧૯૯૫-૯૬માં રીજીયન ચેરમેન અને ૯૪-૯૫ પ્રખ્યાત લાયોનેસ ચેરમેન હતા. તેઓને બે વખત ડિસ્ટ્રીકટ ગવર્નરશીપ માટે બિનહરીફ પસંદ કરાયા હતા. જેનો તેમણે નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો હતો.

તેઓ સમસ્ત ગુજરાત કંસારા સમાજના પ્રમુખ કે.એન. વોરા હોસ્પિટલ મોરબીના મેનેજીંગ ટ્રસ્ટી અને મહારાજા લખધીરસિંહજી એન્ડોમેન્ટ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ઉપરાંત ઘણી બધી સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા.

અમે સૌ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. તેમ લાયન્સ કલબના પૂર્વ ડિસ્ટ્રીકટ ગવર્નર અને જાણીતા આર્કિટેકટ શ્રી સુરેશભાઈ સંઘવી (મો.૯૯૨૫૦ ૦૯૯૬૬)એ સોશ્યલ મીડિયા ઉપર અંજલી આપતા જણાવ્યુ છે.

(1:00 pm IST)