Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

રન ફોર યુનિટી-રાષ્ટ્રીય એકતા દિવસે દોડ લગાવી

મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી : સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજ્યંતિની ઉજવણી એટલે દેશની એકતા-સંગઠન, ગૌરવનો દિવસ છે : નીતિન પટેલ

અમદાવાદ, તા.૩૧  :અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની  ૧૪૪ મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સરદાર સાહેબની જયંતીની ઉજવણીનો દિવસ એટલે દેશની એકતા, અખંડિતતા, સંગઠન અને આંતર રાષ્ટ્રીય ગૌરવ વધારવાનો દિવસ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવવા માટે રાજ્યમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો છે.

તેમણે ઉમેર્યું હતું કે સરદાર સાહેબે દેશની એકતા અને અખંડીતા માટે કામ કર્યું છે તે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલમ ૩૭૦ અને ૩૫ એ દુર કરી સરદાર સાહેબનું એક ભારતનું સ્વપ્ન પુરૂ કર્યું છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે  સમગ્ર દેશ ઉત્સાહ અને ઉમંગથી ભારતની એકતા માટે દોડ કરી રહ્યો છે. ભારતની એકતા માટેની આ દોડમાં મહેસાણા જિલ્લો પણ ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો છે. મહેસાણા જિલ્લાના પ્રજાજનોને આ ઐતિહાસિક દોડ માટે નાયબ મુખ્યમંત્રીએ હાર્દિક શુભકામના અને અભિનંદન પાઠવ્યા હતા.

           સરદાર સાહેબની જન્મ જયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું પણ નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા શહેરમાં દુધ સાગર ડેરીના સામેના સર્વિસ રોડથી મોઢેરા ચોકડી સરદાર પટેલ સાહબેની પ્રતિમા સુધી નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવો અને નગરજનોએ દોડ લગાવી હતી જેમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો, વિવિધ સંસ્થાઓના સભ્યો તેમજ શહેરીજનોએ રન ફોર યુનિટીમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.

(10:09 pm IST)