Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

કમોસમી વરસાદથી કરોડોનો પાક ધોવાઇ જતા ખેડૂત ચિંતિત

આણંદમાં સૌથી વધુ ૪.૫ ઇંચથી વધુ વરસાદ : મગફળી, કપાસ, ડાંગરના પાકને ભારે નુકસાન : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ સહિતના અનેક પંથકોમાં વરસાદ પડયો

અમદાવાદ,તા. ૩૧ : ગુજરાતમાં આ વર્ષે ૧૪૫ ટકા વરસાદ ખાબકતા ૨૦થી વધુ જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ચોમાસાની વિદાય બાદ પણ સાયક્લોનની અસર વચ્ચે વધુ એક સીસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બેસતા વર્ષ અને ભાઇબીજ અને તે પછીના દિવસે પણ સૌરાષ્ટર્, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના અનેક પંથકોમાં કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતોની દિવાળી બગડી  હતી. ખાસ કરીને આણંદમાં તો, સૌથી વધુ સાડા ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ છે, આજે પણ જૂનાગઢ, તાલાલા, વેરાવળ, માળિયાહાટીના, ગીરના જગંલો, જામકંડોરણા, પોરબંદર સહિતના વિસ્તારોમાં ધોધમાર અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. રાજયમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ વધુ દયનીય અને કફોડી બની છે.

                કારણ કે, ખેડૂતોનાં ઊભા પાકને કરોડોનું નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને અમદાવાદ જિલ્લાના આસપાસના ગામના ખેડૂતોનાં મગફળી, કપાસ ડાંગર, અને તલના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદથી રૂ.૩૦થી ૪૦ કરોડના પાકને નુકસાનનો અંદાજ સેવાઇ રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના પડધરી તાલુકાના ૬૨ ગામોમાં પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યુ છે. અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી નુકસાન ભરપાઈ કરવાની માગ કરી હતી. ક્યાર વાવાઝોડાની અસર અને વધુ એક લો-પ્રેશર સીસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાતાં રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવાર સાંજથી રાજયના ૩૦થી વધુ જિલ્લાનાં ૧૩૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદની વિદાય બાદ પણ કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ, જેતપુરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદથી પડધરીની આસપાસના ગામો સૌથી વધુ પ્રભાવિત થયા છે. પડધરી તાલુકાના ૬૨ ગામોમાં વ્યાપક નુકસાન થયુ છે. ડાંગરનો પાક લેનારા ખેડૂતોની માઠી દશા થઇ છે. વરસાદથી રૂ.૩૦થી ૪૦ કરોડના નુકસાનનો અંદાજ છે. સુરતમાં અંદાજે ૨ લાખ હેક્ટરમાં ડાંગરના પાકનું વાવેતર કરાયું છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસના વરસાદથી ૨૦થી ૨૫ ટકા પાકને નુકસાન થયું છે.

               એક સિઝનમાં અંદાજે ૨૫૦ કરોડની ડાંગર થાય છે. ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. તો, મહીસાગરનાં લુણાવાડા સહિતનાં અનેક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી ડાંગરના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. રાજયમાં સૌથી વધુ ૪.૫૨ ઇંચ વરસાદ આણંદમાં પડ્યો હતો. જે બાદ વઢવાણમાં ૪.૦૮ ઈંચ, લખતરમાં ૨.૯૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે સાયલા, વાંકાનેર, ચુડા, ટંકારા, દેહગામ, નાંદોદ, બાયડ, છોટાઉદેપુર, અંકલેશ્વર, વાસો, ધંધુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. આ જ પ્રકારે રાજકોટમાં એક જ કલાકમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મોરબીમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. 

             મોરબી, હળવદ, ટંકારા, વાંકાનેર, માળીયા મિયાણા પંથકમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા. અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદથી ખેતરમાં મગફળી અને કપાસના પાક સાવ બગડી ગયો છે. જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. બાયડ અને મોડાસામાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધનસુરામાં એક ઇંચ વરસાદ જ્યારે માલપુર અને મેઘરજમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ અને ગીરના જંગલોમાં પણ આજે ધોધમાર વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં વરસાદથી માજુમ અને વાત્રક ડેમ ફરી છલકાયા હતા. તો ગઇકાલે અમદાવાદ શહેરમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. વરસાદી ઝાપટાાના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં થોડા પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે શહેરનું વાતાવરણ ઠંડુ બની ગયુ હતુ. જો કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરી વિરમગામ, માંડલ સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.

(10:02 pm IST)