Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

અમદાવાદ શહેરમાં અંતે સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે

સાયબર ક્રાઇમને લગતી ફરિયાદો કરી શકાશેઃ પોલીસ સ્ટેશનની જેમ સાયબર સ્ટેશનમાં એફઆઈઆર બુક, ધરપકડ રજિસ્ટર સહિતની બધી પ્રક્રિયા હાથ ધરાશે

અમદાવાદ, તા.૧: મિલકત અને શરીર સંબંધી ગુનાખોરી જેટલી જ ગુનાખોરી સાયબર ક્રાઈમમાં થઈ રહી છે. સાયબર ક્રાઈમ ઉપર અંકુશ મેળવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગાંધીનગર સ્થિત સીઆઇડી ક્રાઈમમાં રહેલા સાયબર સેલ ઉપર કામનું ભારણ વિશેષ પ્રમાણમાં રહેતું હોઈ અમદાવાદ શાહીબાગ ડફનાળા ૧પ નંબરના બંગલામાં સાયબર પોલીસ સ્ટેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે. સાયબર પોલીસ સ્ટેશનમાં આઇટી એક્ટ ર૦૦૦ હેઠળના ગુનાઓ, ઓનલાઈન નાણાકીય છેતરપિંડી, પેટીએમના પિન નંબર મેળવી કે કાર્ડ કલોન કરી થતી છેતરપિંડી, ગ્રાહકોના બેન્ક એકાઉન્ટની માહિતી મેળવી લઈ બારોબાર પૈસા ઉપાડી લઈ થતા ગુનાઓ તેમજ યુવતીઓના બોગસ ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમને બદનામ કરતા ફોટા અપલોડ કરવાની ધમકી આપી થતા શોષણ સહિતના ગંભીર મામલાઓની ફરિયાદ આ પોલીસ સ્ટેશનમાં થઈ શકશે. સોશિયલ મીડિયા પર વોચ રાખવા અને તેને લગતા ગુનાઓ ઝડપથી શોધી કાઢવામાં આવશે.

પોલીસ સ્ટેશનની જેમ હવે સાયબર પોલીસમથકમાં પણ એફઆઈઆર બુક, ધરપકડ રજિસ્ટર, મુદામાલ રજિસ્ટર અને ચાર્જશીટ રજિસ્ટર મેઇન્ટેન કરવામાં આવશે. આ પોલીસ સ્ટેશન ક્રાઈમ બ્રાન્ચના જેસીપીના વડપણ હેઠળ રહેશે. પોલીસ સ્ટેશનમાં સુપરવાઈઝર અધિકારી સાયબર ક્રાઇમ ડીસીપી ડો. રાજદીપસિંહ ઝાલાનું રહેશે. સાયબર ક્રાઇમ ડીસીપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આજથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ થઇ ગયું છે. સાયબર ક્રાઇમને ઉકેલવામાં અને શહેરજનોની આ અંગેની ફરિયાદના નિવારણમાં બહુ મદદ મળશે. સાયબર ક્રાઇમ પોલીસ નાગરિકોની આ પ્રકારની ફરિયાદોની સેવા માટે તત્પર છે.

(9:58 pm IST)