Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

ખેડાના વસો તાલુકામાં દૂધ મંડળીના તાળા તૂટ્યા: 1.41 લાખની મતાની ઉઠાંતરી

ખેડા: જિલ્લાના વસો તાલુકામાં રામપુર અને સિંહોલડી જ્યારે માતર તાલુકાના ઉંઢેળા દૂધ મંડળીમાં ત્રાટકેલા તસ્કરો ૧.૪૧ લાખ ઉપરાંતની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જતા આ અંગે પોલીસે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ વસો તાલુકાના રામપુર ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળી આવેલ છે. ગત રાત્રે કોઈ તસ્કરો ત્રાટક્યા હતા અને દૂધ મંડળીના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશી તિજોરીનું તાળુ તોડી રૂપિયા ૪૭૪૩૩ રોકડ ચોરીને ફરાર થઈ ગયા હતા. ત્યાંથી તસ્કરો સિંહોલડી ગામની દૂધ મંડળીમાં ત્રાટક્યા હતા અને મંડળીના મકાનના દરવાજાનું તાળુ તોડીને અંદર પ્રવેશ કરી તિજોરી તોડીને તેમાંથી રોકડા ૪૮ હજારની મત્તા ચોરી લીઘી હતી.

ત્યારબાદ તસ્કરો માતર તાલુકાના ઉંઢેળા ગામે ત્રાટક્યા હતા અને દૂધ મંડળીનું મકાનનું તાળુ તોડી તસ્કરો તિજોરીમાંથી રૂપિયા ૪૫,૦૦૦ રોકડ ચોરી ગયા હતા. એક જ રાતમાં ત્રણ-ત્રણ દૂધ મંડળીના તાળા તોડીને ચોરી થતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. ત્રણેય ચોરીઓ પાછળ કોઈ એક જ ગેંગ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે આ અંગે ત્રણ અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને ડોગ સ્કવોડ તથા એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે.

(4:37 pm IST)