Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સમારોહમાં ૨૦ રાજ્યોના ૩૮ શહેરોના ૧૪૦ ગુજરાતી આગેવાનો ગુજરાત પધાર્યા

મુખ્યમંત્રી રૂપાણીનું પોતપોતાના રાજ્યોની વિશેષતા જેવા પાઘડી, ટોપી કે પહેરણથી કર્યું સન્માન

ગાંધીનગર;સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રને સમર્પિત કરવાના સમારોહમાં ભાગ લેવા ગુજરાત પધારેલા વિવિધ રાજ્યોના ગુજરાતી સમાજના આગેવાનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ૧૨ રાજ્યોના ૬૦ જેટલા ગુજરાતી આગેવાનોએ મુખ્યમંત્રી રૂપાણી પ્રત્યે આભાર અને અહોભાવની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર હંમેશા અમને વતનમાં નોંતરીને અમારું સન્માન કરે છે. વતનથી દૂર રહીને પણ વતન સાથે જોડાયેલા રહેવાનું ગુજરાતીઓના જ સૌભાગ્યમાં હોઇ શકે.

   તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, આસામ, તામિલનાડુ, કર્ણાટક, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, રાજસ્થાન, પંજાબ, કેરાલા, દિલ્હી, હરિયાણા અને આંદામાન-નિકોબાર સહિત ૨૦ રાજ્યોના ૩૮ શહેરોના ૧૪૦ જેટલા ગુજરાતી આગેવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ સમારોહમાં ભાગ લેવા ગુજરાત પધાર્યા હતા અને મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીની સૌજન્ય મુલાકાત વેળાએ બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાનના મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અગ્રસચિવ સી.વી.સોમ પણ ઉપસ્થિત રહ્યા હતા.    
  
મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ વિવિધ રાજ્યોના ગુજરાતી આગેવાનોને આવકારીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ વિષે વિગતે વિમર્શ કર્યો હતો. વિવિધ રાજ્યોમાંથી પધારેલા ગુજરાતી આગેવાનોએ પોતપોતાના રાજ્યોની વિશેષતા જેવા પાઘડી, ટોપી કે પહેરણથી મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સન્માન કર્યું હતું. કાશી ગુજરાતી સમાજના પ્રમુખે આભાર માન્યો હતો

(11:25 pm IST)