Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ગરબા નિહાળવા 60 દેશોના રાજદ્વારીઓ વડોદરા પહોંચ્યા : વિદેશ મંત્રી જયશંકર સહિતનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

વડોદરા એરપોર્ટ પર પરંપરાગત ગરબા અને ઢોલના નાદ સાથે ભવ્ય સ્વાગત કરાયું

વડોદરા :ગુજરાતમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. ધામધૂમથી નવરાત્રીનો પર્વ કોરોનાાળના બે વર્ષ બાદ મનાવાઈ રહ્યો છે, નારીશક્તિના આહ્વાનનો પર્વ અને વિશ્વનો સૌથી લાંબો સાંસ્કૃતિક નૃત્ય મહોત્સવ નવરાત્રી  માણવા દર વર્ષે દેશ-વિદેશથી લોકો આવતા હોય છે. સંસ્કારી નગરી વડોદરાના ગરબા પણ ખૂબ જાણીતા છે. ત્યારે નવરાત્રી પર્વની ઉજવણીને માણવા માટે આવેલા વિવિધ દેશના 60 જેટલા રાજદ્વારીઓ અને વિદેશ મંત્રી એસ. જયશંકર વડોદરા પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટ ઉપર આ તમામનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિવિધ દેશના 60 જેટલા રાજદ્વારીઓ સવારના સમયે વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું  પરંપરાગત્ત ગરબા અને ઢોલના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સીમાબેન મોહિલે, કલેક્ટર અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિતના મહાનુભાવોઓ તેમને એરપોર્ટ ઉપર આવકાર્યા હતા. વડોદરાના વિવિધ શૈક્ષણિક સંસ્થાનોમાં અભ્યાસ કરતા વિદેશી છાત્રો પણ સ્વાગત માટે આવ્યા હતા. વિદેશ મંત્રીએ આ છાત્રો સાથે ટૂંકો સંવાદ પણ સાધ્યો હતો. જ્યાં તેમણે શૈક્ષણિક પ્રગતિ અને અભ્યાસમાં રહેલી સાનુકૂળતાઓ અંગે વાતચીત કરી હતી.

 વડોદરાના ગરબા વિશ્વ પ્રસિદ્ધ છે અને વિદેશી મહેમાનોએ મંત્રમુગ્ધ થઈને વડોદરાના ગરબા નિહાળ્યા હોય એવું લગભગ પ્રત્યેક નવરાત્રીમાં બને છે. જો કે સાથે વિવિધ દેશોના 60થી વધુ રાજદ્વારીઓ ગરબા નિહાળે એવી સાંસ્કૃતિક ઘટના પહેલીવાર બનવા જઈ રહી છે. આ તમામ રાજદ્વારી ગુજરાતની આ સંસ્કૃતિને વડોદરામાં નિહાળવાના છે.

(8:01 pm IST)