Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ગાંધીનગરમાં હિટ એન્ડ રન:અડાલજ કલોલ હાઇવે પર બે યુવાનને અજાણ્યો વાહન ચાલક હડફેટે લઇ ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક અડાલજ કલોલ હાઇવે ઉપર શેરથા કસ્તુરી નગર પાસે બે યુવાનોને અડફેટે લઈ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બંને ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક યુવાનનું મોત થયું છે. અકસ્માતની આ ઘટના સંદર્ભે અડાલજ પોલીસે ગુનો દાખલ કરી વાહન ચાલકની શોધખોળ શરૃ કરી છે. છેલ્લા થોડા સમયથી ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગોે જાણે અકસ્માત ઝોન બની ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે. અકસ્માતોની વધતી જતી ઘટનાઓ વચ્ચે હીટ એન્ડ રનના બનાવોએ પણ માથું ઉંચક્યું છે. ખાસ કરીને ગાંધીનગર સરખેજ હાઇવે અને અડાલજ કલોલ હાઇવે ઉપર આ પ્રકારની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આ સ્થિતિ વચ્ચે અડાલજ કલોલ હાઇવે ઉપર શેરથા કસ્તુરી નગર પાસે બે યુવાનોને અડફેટે લઈ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જે પૈકી એક યુવાનનું મોત થયું છે. મળતી વિગતો પ્રમાણે કલોલમાં આવેલી સત્યમ નગરની ચાલીમાં રહેતો અનિલ પંકજભાઈ શાહ અને અમદાવાદ નિકોલ ખાતે રહેતો પાર્થ દીપકભાઈ ગજ્જર શેરથા કસ્તુરી નગર પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે આ બંને યુવાનોને અડફેટે લીધા હતા. જે અકસ્માતમાં તેમને ગંભીરિજાઓ પહોંચતા સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અનિલનું મોત થયું હતું જ્યારે પાર્થની સારવાર ચાલી રહી છે. પોલીસે મૃતક અનિલના વાલીવારસોની શોધખોળ શરૃ કરી હતી અને આખરે તેના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તેને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.

(4:57 pm IST)