Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વડોદરા પાલિકા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આયોજિત નેશનલ ગેમ્સમાં ઝીરો વેસ્ટ મેનેજમેન્ટની કરાઈ વ્યવસ્થા

દરેક પ્રકારના કચરાના યોગ્ય નિકાલ દ્વારા સ્પર્ધા સ્થળને સ્વચ્છ રાખવા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સજ્જ : ઓન સાઈટ પ્લાસ્ટિક ક્રશર મશીન સ્થાપિત કરાયું

વડોદરા : સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 36મી નેશનલ ગેમ્સ અન્વયે જીમ્નાસ્ટીક ની રોમાંચક સ્પર્ધાઓ યોજવા માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં આ સ્થળ ને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટની કરવામાં આવેલી સુચારુ વ્યવસ્થાનો સમાવેશ થાય છે.વડોદરા મહાનગર પાલિકાના મેયર તથા મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે જરૂરી યંત્રો ગોઠવીને અદ્યતન આયોજન કર્યું છે.

જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે આ વ્યવસ્થાઓ કાર્યાન્વિત કરાવી વડોદરા મહાનગર પાલિકાને ધન્યવાદ આપ્યા હતા. આ વિભાગના એનવાયરોનમેન્ટ એન્જિનિયર કશ્યપ શાહે વિગતવાર જાણકારી આપતાં જણાવ્યું કે આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓ,વ્યવસ્થાપકો અને દર્શકો એકત્ર થવાના હોવાથી પાણીની પ્લાસ્ટિકની બોટલો ખૂબ મોટા પ્રમાણમાં વપરાશે.તેનો યોગ્ય નિકાલ કરવો અનિવાર્ય છે. જેના માટે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ઓન સાઈટ પ્લાસ્ટિક ક્રશર મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. જે એક રાઉન્ડમાં 1 હજાર બોટલો ભાંગી શકે છે.તે પછી તેની ટાંકીમાંથી આ કચરો કાઢી તેનો ફરીથી બોટલ ક્રશિંગ માટે ઉપયોગ કરી શકાય છે.

 

ખેલાડીઓ સહિત મહેમાનોના ભોજન માટે સ્થળ પર રસોડાઓ ની વ્યવસ્થા છે જેના લીધે ભીનો ખાદ્ય કચરો એકત્ર થવાનો છે.તેના યોગ્ય નિકાલ માટે ઓનસાઇટ કંપોસ્ટિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે જે દૈનિક 500 કિલોગ્રામ ભીના કચરાનું સેન્દ્રીય ખાતર માં રૂપાંતરણ કરશે.આમ,આ વ્યવસ્થાથી સ્વચ્છતાની જાળવણી અને ખાતર ઉત્પાદનનો બેવડો લાભ થશે. આ ઉપરાંત અન્ય પ્લાસ્ટિક વેસ્ટ તેમજ સૂકા કચરાના નિકાલ માટે બે કલેક્શન વાન વારાફરતી કચરો ઉપાડવા અને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું કામ કરશે.સ્વચ્છ ગુજરાતની ભાવના સાકાર કરતી આ ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ ની વ્યવસ્થા આ પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ઇવેન્ટ ને સફળ બનાવવામાં અગત્યનું યોગદાન આપશે.

(11:25 pm IST)