Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

અમદાવાદ : સપ્ટેમ્બર માસમાં જ સાદા મેલેરિયાના ૯૨૫ કેસ

કોલેરાના સાત કેસ નોંધાતા ભારે ખળભળાટઃ બહેરામપુરા, વટવા, શાહપુર સહિત વિસ્તારમાં કોલેરાના સાત કેસો સપાટી પર આવી જતા ખળભળાટ મચી ગયો

અમદાવાદ, તા.૧: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં સપ્ટેમ્બર મહિનામાં જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. ગઇકાલે પૂર્ણ થયેલા સપ્ટેમ્બર મહિનામાં જ કોલેરાના સાત કેસ સપાટી ઉપર આવતા ખળભળાટ મચી ગયો છે. બહેરામપુરા, શાહપુર, જમાલપુર, વટવા, રામોલમાં કોલેરાના કેસ સપાટી ઉપર આવ્યા છે. વટવા અને રામોલમાં બે-બે કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાના અટકાયતીના પગલારુપે પાણીના મુખ્ય સોર્સ અને ઘરોમાં ચાલુ માસ દરમિયાન ૩૦૪૩૪ રેસિડેન્ટ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે તથા હાઈરિસ્ક વિસ્તારો અને કેસો નોંધાયા હોય તેવા વિસ્તારોમાં ચાલુ માસમાં ૨૫૬૧ જેટલા પાણીના  સેમ્પલ બેક્ટોરિલોજીકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ચાલુ માસમાં ૮૨૧૩૨૦ ક્લોરિન ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. મોબાઇલ મેડિકલ વાન મુકીને સ્થળ ઉપર સારવાર આપવાની કામગીરી ચાલી રહી છે. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલુ માસમાં ઉલ્લેખનીય કામગીરી કામગીરી કરવામાં આવી છે. ૨૨૦ જુદા જુદા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે.

૯૭૭૦ કિલોગ્રામ અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. હેલ્થ ફ્લાઇંગ સ્કોવોર્ડ દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૧૦૨૯૫૪ લોહીના નમૂનાની સામે ૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં ૧૧૪૩૮૮ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. ૪૧૫૫ સિરમ સેમ્પલની સામે ૨૯મી સપ્ટેમ્બર સુધી ૬૦૫૦ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર માસમાં ઝાડા ઉલ્ટીના ૩૫૭ કેસ નોંધાયા છે જ્યારે કમળાના ૩૪૯ અને કોલેરાના સાત કેસ નોંધાયા છે. સાદા મેલેરિયાના ૯૨૫ અને ઝેરી મેલેરિયાના ૧૩૩ કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના પણ ૨૧ કેસ નોંધાયા છે.

(10:10 pm IST)